લંડનઃ બ્રિટિશ નાગરિક તરીકે બાળકોની નોંધણી કરાવવા ૧૦૧૨ પાઉન્ડની ફી અપીલ કોર્ટે ગરકાયદે ઠરાવી છે. સીમાચિહ્નરુપ ચુકાદામાં કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે હોમ ઓફિસ ફી નિશ્ચિત કરતી વેળાએ બાળકોના શ્રેષ્ઠ હિતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.
બ્રિટિશ નાગરિકતા મેળવવા બાળકો અથવા તેમના પેરન્ટ્સે ચૂકવવી પડતી ફી ઘણી ઊંચી હોવાનો વિવાદ વર્ષોથી ચાલતો આવ્યો છે. ફી ઊંચી હોવાથી અને કાનૂની સલાહની સુવિધાના ભાવે ગણા લોકો નાગરિકતાની નોંધણી કરાવી શકતા ન હોવાથી અધિકારો અને બેનિફિટ્સ મેળવી શકતા નથી.
અપીલ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે હોમ ઓફિસ નાગરિકતાની નોંધણી માટે ૧૦૧૨ પાઉન્ડની ફી ચાર્જ કરે છે. વાસ્તવમાં નોંધણી પ્રક્રિયા પાછળનો ખર્ચ તેના ત્રીજા ભાગનો અથવા ૩૭૨ પાઉન્ડનો જ થાય છે. મિનિસ્ટર્સ બાળકો અને તેમના અધિકારો પર આ ફીની અસર વિચારવામાં નિષ્ફળ રહ્યા છે. ઘણા કિસ્સામાં પરિવારોને આટલી ફી ચૂકવવી પોસાય તેમ હોતી નથી. હોમ ઓફિસનું કહેવું છે કે નફાનો ઉપયોગ અન્ય કાર્યોમાં ભંડોળમાં થાય છે.
ડિસેમ્બર ૨૦૧૯માં હાઈ કોર્ટના જજે આ ફીને ગેરકાયદે ઠરાવી હતી કારણકે તેનાથી અસંખ્ય બાળકો નાગરિકતા રજિસ્ટર કરાવી શકતા નથી. બાળકો યુકેના સામાજિક પોતમાં ભળી શકતા નથી અને પોતાને અલગ મહસૂસ કરે છે. હોમ ઓફિસે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી.