લંડનઃ ગત સપ્તાહે ગ્લાસગોમાં હજારો દેખાવકારોએ માર્ગ અટકાવ્યા પછી પોલીસ દ્વારા મુક્ત કરાયેલા બે ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ શીખ- લાખવીર સિંહ અને સુમિત સહદેવીને હોમ ઓફિસ દ્વારા દેશનિકાલ કરાશે. હોમ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દેખાવોથી મિકેનિક લાખવીર સિંહ અને શેફ સુમિત સહદેવીની અનિવાર્ય હદપારી થોડી પાછી ઠેલાઈ છે પરંતુ, તેમને અટકમાં લેવાશે અને ડિપોર્ટ કરાશે.
મુદત વીતી ગયા પછી પણ યુકેમાં રહેતા લાખવીર સિંહ અને સુમિત સહદેવી ૧૦ વર્ષથી ગ્લાસગોમાં રહેતા હતા. હોમ ઓફિસ દ્વારા મોકલાયેલી પોલીસે ૧૩ મે, ગુરુવારે બે ભારતીયી ધરપકડ કરી હતી પરંતુ, સેંકડો લોકોએ વાનનો માર્ગ અટકાવ્યો હતો અને સાત કલાક પછી તેમને છોડી દેવાયા હતા.
આ મુદ્દે માઈગ્રન્ટ ચેરિટી ‘પોઝિટીવ એક્શન ઈન હાઉસિંગ’ દ્વારા હોમ ઓફિસ સામે કાનૂની કાર્યવાહીની ધમકી પણ અપાઈ છે. ચેરિટીના ડાયરેકટર રોબિના કુરેશીએ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી યુકેમાં રહેતા લોકો માટે ગેરકાયદે શબ્દપ્રયોગ કરી શકાય નહિ. હવે આ લોકોને અંગત જીવન અને પરિવારનો અધિકાર છે.
હોમ ઓફિસે અગાઉ સ્કોટલેન્ડમાં સ્થાનિક શીખ ગુરુદ્વારાને પણ આ બે ભારતીયની હદપારી ઓપરેશનમાં મદદ કરવા જણાવ્યું હતું. જોકે, શીથ જૂથોએ તેમની કોમ્યુનિટીના સભ્યોને બળજબરીથી દેશનિકાલ કરવાના પ્રયાસને નકાર્યો હતો. સિંહ અને સહદેવી શીખ ગુરુદ્વારાના લોકપ્રિય સભ્યો છે અને ઘરબારવિહોણાને ભોજનના કાર્યોમાં મદદ કરતા રહ્યા છે.
દરમિયાન, બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના લોકો ચિંતામાં પડ્યા છે કે યુકે અને ભારત વચ્ચેના ‘માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ’ કરારના પરિણામે ડિપોર્ટેશનનું પ્રમાણ વધી જશે. આ કરારમાં હજારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બ્રિટનથી ફરજિયાત-બળજબરીથી દૂર કરવા ભારત સંમત થયું છે. આના બદલે યુકે દ્વારા વધુ સ્ટુડન્ટ અને સ્કીલ્ડ વર્કર્સ વિઝા ઓફર કરવામાં આવશે.