લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બાળ રેફ્યુજીના વેશમાં રાજ્યાશ્રય લેવા બ્રિટનમાં પ્રવેશતા વયસ્ક માઈગ્રન્ટ્સ વિરુદ્ધ ત્રાટકવાની યોજના ઘડી રહ્યાં છે. યુકેની સ્કૂલ્સમાં સગીર હોવાના વેશમાં પુખ્ત વયના લોકોએ પ્રવેશ મેળવ્યો હોવાના કેટલાક કેસ બહાર આવ્યા પછી હોમ સેક્રેટરી પગલાં લેવાં મક્કમ છે. હોમ ઓફિસ સ્વતંત્ર વયનિર્ધારણ સંસ્થા સ્થાપવા માગે છે જે સગીર વયનો દાવો કરતા એસાઈલમ સીકર્સ વિશે નિર્ણય લેશે.
હાલ જે વ્યક્તિ સગીર જેવી લાગતી હોય તેમની વય નિશ્ચિત ન થાય ત્યાં સુધી સગીર માનવામાં આવે છે. હાલ જે વ્યક્તિ ૨૫ વર્ષની લાગતી હોય તેવી મર્યાદા રખાઈ છે પરંતુ, હવે તે મર્યાદા ૧૮ વર્ષની કરાશે. હોમ ઓફિસનું ગત વર્ષનું એનાલિસીસ દર્શાવે છે કે એસાઈલમ માગનારા અડધાથી વધુ લોકોએ વાસ્તવમાં પુખ્ત હોવાં છતાં બાળક હોવાનો ઢોંગ કર્યો હતો. અગાઉના વિવાદિત કેસીસમાં બે તૃતીઆંશ લોકો પણ પુખ્ત હોવાનો ચુકાદો અપાયો હતો.
ધ પારસન્સ ગ્રીન બોમ્બર અહેમદ હસન સંખ્યાબંધ એસાઈલમ માગનારામાં એક છે જેણે બ્રિટનમાં પ્રવેશવા ખોટી ઉંમર જણાવી હતી. ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે તેણે ઉદારતા અને સિસ્ટમની સરળતાનો દુરુપયોગ કર્યો હતો. કોવેન્ટ્રીની શાળામાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરનારા વ્યક્તિની વય ૪૦ જણાતી હતી. અન્ય બાળકોના પેરન્ટ્સે આના વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ૨૦૧૮માં ઈપ્સવિચમાં એક વિદ્યાર્થીએ ૧૫ વર્ષની વય જણાવી હતી પરંતુ, તે ૩૦ વર્ષના પુરુષ જેવો લાગતો હતો અને તેની તપાસ કરાતા તે પુખ્ત વયનો જ જણાયો હતો.
દરમિયાન હોમ સેક્રેટરીએ લોકોની હેરાફેરીને અટકાવવા જરુરિયાતમંદ લોકોને વોર ઝોન્સમાંથી સુરક્ષા સાથે યુકે લાવવા કેવી રીતે મદદ કરી શકાય તેની વિચારણા પણ શરુ કરી છે. જોકે, ક્રિમિનલ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મોડર્ન સ્લેવરી એક્ટનો કેટલોક હિસ્સો નાબૂદ કરવાની તેમની તૈયારીએ પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સાથે સંઘર્ષમાં ઉતાર્યા છે.