લંડન
ભારતીયોમાં અભ્યાસ, નોકરી અને પ્રવાસ માટે હજુ પણ બ્રિટન મોસ્ટ ફેવરિટ દેશ બની રહ્યો છે. બ્રિટન દ્વારા જૂન 2022માં પૂરા થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા ઇમિગ્રેશન આંકડા અનુસાર 1,18,000 ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા જે અગાઉના વર્ષ કરતાં 89 ટકાનો વધારો દર્શાવે છે. બ્રિટનના સ્ટુડન્ટ વિઝાના મામલામાં ભારતીયોએ હવે ચીનને પણ પાછળ છોડી દીધો છે. જૂન 2022માં પૂરા થયેલા વર્ષ દરમિયાન 1,03,000 ભારતીયોએ વર્ક વિઝા હાંસલ કર્યાં હતાં જે અગાઉના વર્ષ કરતાં 148 ટકાનો વધારો બતાવે છે. સ્કીલ્ડ વર્કર વિઝા મેળવવામાં પણ ભારતીયો ટોચ પર રહ્યાં છે. કુલ પૈકીના 46 ટકા વિઝા ભારતીયોએ પ્રાપ્ત કર્યાં હતાં. વેકેશન ગાળવાના ભારતીય શોખીનો માટે પણ બ્રિટન ટોચના સ્થાને રહ્યો હતો. જૂન 2022માં પૂરા થયેલા વર્ષમાં 2,58,000 કરતાં વધુ ભારતીયોને ટુરિસ્ટ વિઝા જારી કરાયાં હતાં.
જૂન 2022માં પૂરા થઇ રહેલા વર્ષ માટે હોમ ઓફિસે વિઝા, અસાયલમ અને ઇમિગ્રેશન અંગેના આંકડા જારી કર્યાં છે. હોમ ઓફિસના આંકડા બતાવે છે કે છેલ્લા એક વર્ષમાં બ્રિટનમાં વસવાટ માટે જારી કરાયેલા વિઝા ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યા છે. જૂન 2022માં પૂરા થયેલા વર્ષમાં 11 લાખ વિદેશી નાગરિકોને બ્રિટનમાં વસવાટ માટે વિઝા જારી કરાયાં હતાં. કોરોના મહામારી બાદ ઇમિગ્રેશનમાં મોટો વધારો નોંધાયો છે. જૂન 2019ના વર્ષ કરતાં આ વર્ષમાં ઇમિગ્રેશન વિઝામાં પાંચ લાખ કરતાં વધુનો વધારો નોંધાયો છે. 1 જાન્યુઆરી 2021થી બ્રિટનમાં નવી ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરાઇ હતી જે અંતર્ગત યુરોપિયન સંઘના નાગરિકોને બ્રિટનમાં પ્રવેશ માટે વિઝા આવશ્યક છે. 2019ની સરખામણીમાં વર્ક વિઝામાં 72 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. તેવી જ રીતે સ્ટડી વિઝામાં 71 ટકાનો વધારો થયો છે. 2005થી 2020 વચ્ચે રિસેટલમેન્ટ વિઝા ક્યારેય 7000થી વધુ નોંધાયા નહોતા જે આ વર્ષે 2,30,000 પર પહોંચી ગયાં હતાં. ગયા વર્ષે 21000 અફઘાન શરણાર્થી બ્રિટન આવ્યાં હતાં તે ઉપરાંત 1,30,000 યુક્રેનિયન અને 70,000 હોંગકોંગના નાગરિકોને બ્રિટનમાં આવવાની પરવાનગી અપાઇ હતી. વિદેશી વિદ્યાર્થીઓ માટેના નવા વર્ક વિઝાનો આ વર્ષમાં પ્રારંભ કરાયો હતો. પહેલા જ વર્ષે 66,000ને આ કેટેગરીમાં વિઝા અપાયા હતા. નવીગ્રેજ્યુએટ વિઝા કેટેગરીમાં 66,200ને વિઝા જારી કરાયાં હતાં. ફેમિલી વિઝામાં પણ 2019ની સરખામણીમાં 180 ટકાનો વધારો થયો હતો. વિદ્યાર્થીઓના ડિપેન્ડન્ટને અપાતા વિઝામાં પાંચ ગણો અને વર્ક ડિપેન્ડન્ટને અપાતા વિઝામાં બમણો વધારો થયો હતો. પરમેનન્ટ ઇમિગ્રેશનમાં 2019ની સરખામણીમાં 30 ટકાનો વધારો નોઁધાયો છે.
ભારતીયોને વિઝા
1,18,000 સ્ટુડન્ટ વિઝા
1,03,000 વર્ક વિઝા
2,58,000 ટુરિસ્ટ વિઝા
બ્રિટને જારી કરેલા કુલ વિઝા
3,31,200 વર્ક વિઝા
4,86,900 સ્ટડી વિઝા
82,300 ફેમિલી વિઝા
2,30,000 રિસેટલમેન્ટ વિઝા