લંડનઃ હોમ ઓફિસ એસાઈલમ સીકર્સને તેમની અરજીના પ્રોસેસિંગ અને સેટલમેન્ટ માટે રવાન્ડા મોકલવાની યોજનામાં આગળ વધી રહેલ છે જેની જાહેરાત ટુંક સમયમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરશે. હોમ ઓફિસ દ્વારા ધ ટાઈમ્સના અહેવાલને રદિયો આપવામાં આવ્યો નથી. જોકે, મિનિસ્ટર ફોર રેફ્યુજીસ લોર્ડ હેરિંગ્ટને LBCને જણાવ્યું હતું કે માઈગ્રન્ટ્સને પ્રોસેસિંગ માટે રવાન્ડા મોકલવાની કોઈ શક્યતા નથી.
હોમ ઓફિસના પ્રવક્તાએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ‘અમારા ન્યૂ પ્લાન ફોર ઈમિગ્રેશનમાં જણાવ્યાનુસાર આપણી ભાંગી પડેલી એસાઈલમ સિસ્ટમને સુધારવાની કામગીરી ચાલી રહી છે અને વિવિધ આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ સાથે નિકટતાથી કામ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.’ કોઈ ચોક્કસ દેશ વિશે અહેવાલો પર હોમ ઓફિસે ટીપ્પણી કરી નથી. અગાઉ, આલ્બેનિયા અને ઘાના ખાતે માઈગ્રન્ટ્સના પ્રોસેસિંગ માટે આવા પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. 4000 માઈલ દૂર યુકે ઓવરસીઝ ટેરીટરી એસેન્સન આઈલેન્ડને પણ આ ઉપયોગમાં લેવાની દરખાસ્ત કરાઈ હતી.
એમ કહેવાય છે કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલને લોર્ડ્સમાં લીલી ઝંડી મળી ગયાં પછી આ યોજનામાં આગળ વધવા મિનિસ્ટર્સની તૈયારી છે. અખબારી અહેવાલો અનુસાર આવી યોજનાથી યુકેને લાખો પાઉન્ડનો ખર્ચ સહન કરવાનો આવશે. પૂર્વ મિનિસ્ટર અને કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્રયુ મિચેલે વિરોધમાં જણાવ્યું છે કે એસાઈલમ સીકર્સ માટે ઓફશોર પ્રોસેસિંગ સિસ્ટમના બદલે તેમને રિટ્ઝ અથવા એટન જેવી હોટેલ્સમાં રાખવાનું સસ્તું પડશે.