લંડનઃ હોમ ઓફિસે ગેરકાયદે વર્કર્સ દ્વારા કામ કરવા વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં ડિલિવરુ, જસ્ટઈટ અને ઉબેરઈટ્સ સહિતની કંપનીઓ માટે કામ કરતા મોપેડ ડિલિવરી ડ્રાઈવરોની મોટા પાયે ધરપકડો કરી છે. ગેરકાયદે કામગીરી અને ખોટા દસ્તાવેજો ધરાવવા સહિતના ગુનાઓ માટે ધરપકડની ઝૂંબેશના પરિણામે ક્રિમિનલ પ્રવૃત્તિમાં સંડોવણી હોય તેવા શંકાસ્પદ હથિયારો અને રોકડ રકમો પણ જપ્ત કરાઈ હતી.
ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટે ધરપકડ અભિયાન અગાઉ ગુપ્ત માહિતી એકત્ર કરી હતી તેમજ 60 જેટલા ડ્રાઈવર્સની ધરપકડો કરવા માટે સતત છ દિવસ (16 થી 21 એપ્રિલ) સુધી સંબંધિત પોલીસ દળોની સાથે પોતાના ઓફિસરોને પણ રાખ્યા હતા. 44 ડ્રાઈવરને અટકમાં લેવાયા હતા જ્યારે 16 અપરાધીને જામીન પર મુક્ત કરાયા હતા. મોટાભાગના અપરાધીઓ બ્રાઝિલના નાગરિકો હતા. ભારતીય અને અલ્જિરિયન નાગરિકો પણ યુકેમાં કામ કરવાના અધિકાર વિના જ કામ કરતા હોવાનું જણાયું હતું. ધરપકડો સાથે સંકળાયેલી પ્રોપર્ટીઝની સંપૂર્ણ તપાસના પરિણામે, નકલી હથિયારો અને અન્ય શસ્ત્રો તેમજ પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ હેઠળ 4,500 પાઉન્ડથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ સંખ્યાબંધ ધરપકડોના કારણે ઘણા લોકોએ યુકેમાંથી સ્વૈચ્છિક વિદાય લેવી પડે તેવી શક્યતા છે. તમામ કંપનીઓ અને વર્કર્સ દેશના ટેક્સ અને અન્ય કાયદાઓનું પાલન કરી યુકેના અર્થતંત્રમાં યોગદાન આપે તેવી ચોકસાઈ સાથે સરકાર ગેરકાયદે કાર્યો પર શિકંજો કસી રહી છે.
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કહ્યું હતું કે, ‘ગેરકાયદે કામ કરવું તે આપણી કોમ્યુનિટીઓને નુકસાન પહોંચાડે છે, પ્રામાણિક વર્કર્સ અને જાહેર નાણાભંડોળ સાથે પણ છેતરપિંડી આચરે છે. આપણા વડા પ્રધાને નિશ્ચિત કર્યું છે તેમ આપણે આપણા કાયદાઓ અને સરહદોનો દુરુપયોગ થતો અટકાવવા ઝડપથી આગળ વધવા કટિબદ્ધ છીએ.’
એન્ફોર્સમેન્ટ, કમ્પ્લાયન્સ અને ક્રાઈમના ડાયરેક્ટર, એડી મોન્ટગોમેરીએ ઉમેર્યું હતું કે ‘આ ખરેખર સકારાત્મક પરિણામ છે. અમે ગેરકાયદે કામના જોખમો અને પરિણામો વિશે જાગૃતિ વધારવા સાથે બિઝનેસીસ નિયમોનું પાલન કરે છે તેની ચોકસાઈમાં મદદ કરીએ છીએ. યુકેમાં તમામ નોકરીદાતાઓ ગેરકાયદે કામને અટકાવવાની જવાબદારી ધરાવે છે. યુકેમાં કામ કરવાનો અધિકાર ન હોય તે જાણતા હોય અથવા તેમ માનવાને પૂરતા કારણો હોય છતાં, આવી વ્યક્તિને નોકરીએ રાખવા તે અપરાધ છે જેના કારણે તેમને 5 વર્ષની જેલ થઈ શકે છે અથવા અમર્યાદિત દંડ ચૂકવવાને પાત્ર બને છે.