લંડનઃ હોંગ કોંગના લાખો નાગરિકો નવી વિઝા યોજના હેઠળ યુકે સ્થળાંતર કરે તેવી શક્યતા છે ત્યારે આ લોકોને હાઉસિંગ, સ્કૂલ્સ અને નોકરીઓ મેળવવામાં મદદ કરાશે તેમ કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું છે. ચીને પૂર્વ બ્રિટિશ સંસ્થાનમાં નેશનલ સિક્યુરિટી કાયદો લાદ્યા પછી યુકેના વિઝા માટે ૨૭,૦૦૦ અરજીઓ કરવામાં આવી છે. હોમ ઓફિસને પહેલા વર્ષે ૧૫૦,૦૦૦ વિઝાઅરજીની અપેક્ષા છે.
સરકારે પરિવારો અને વ્યક્તિઓના પુનર્વસનના સપોર્ટ કેન્દ્રો અને રોજગારમાં મદદરુપ બનવા ૪૩ મિલિયન પાઉન્ડના ફંડની ખાતરી આપી છે. આગામી પાંચ વર્ષમાં ૩૦૦,૦૦૦થી વધુ હોંગ કોંગ રહેવાસીઓ સ્થળાંતર કરી જવાની આગાહી છે. બેન્ક ઓફ અમેરિકાના અંદાજ અનુસાર હોંગ કોંગમાંથી લોકોની હિજરતથી આ વર્ષે ૩૬ બિલિયન ડોલરનો મૂડીપ્રવાહ બહાર જશે.
બ્રિટિશ સરકારે નાસીને બ્રિટન આવતા હોંગકોંગવાસીઓને હાઉસિંગ, શિક્ષણ અને એમ્પ્લોયમેન્ટની મદદ આપવા યોજના જાહેર કરી છે. ગયા વર્ષે બોરિસ જ્હોન્સને હોંગ કોંગમાં બ્રિટિશ નેશનલ (ઓવરસીઝ) પાસપોર્ટ (BNO) ધરાવનારાને પાંચ વર્ષ બ્રિટનમાં રહેવા અને કામ કરવાનો અધિકાર આપતા વિઝાની જાહેરાત કરી હતી જે, આગળ જતાં બ્રિટિશ નાગરિકત્વ મેળવવાનો માર્ગ બની જશે. બ્રિટને ૧૯૯૭માં હોંગ કોંગ શહેરને ચીનના શાસન હેઠળ પાછું સોપ્યું ત્યારે તેની સ્વાયતતા જાળવી રાખવા અપાયેલી અનેક ખાતરીઓનું પાલન નહિ કરાયાનો ચીન પર આક્ષેપ લગાવ્યો છે.
હોંગકોગના નેતા નાથન લોને યુકેમાં રાજ્યાશ્રય
ગયા ઉનાળામાં હોંગ કોંગમાં કઠોર નેશનલ સિક્યુરિટી કાયદો લદાયા પછી ચીનના દમનના પગલે ધરપકડથી બચવા નાસી છૂટેલા ૨૭ વર્ષીય લોકશાહીવાદી નેતા નાથન લોને યુકેમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો છે. આના પરિણામે ચીન અને યુકેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.
નાથન લોએ તેને એસાઈલમ આપવાના હોમ ઓફિસના નિર્ણય બદલ આભારની લાગણી દર્શાવી હતી. વિભાજનને ઉશ્કેરવાની શંકા માટે વોન્ટેડ લોએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘ નેશનલ સિક્યુરિટી કાયદા હેઠળ હું વોન્ટેડ હોવાનું દર્શાવે છે કે મારી સામે તીવ્ર રાજકીય અત્યાચારનું જોખમ છે અને કોઈ જોખમ વિના હોંગ કોંગ પરત ફરવાનું મારા માટે શક્ય નથી.’ લો જાન્યુઆરીમાં યોજના શરુ કરી તે પહેલા યુકે આવ્યો હતો અને તેની પાસે BNO સ્ટેટસ પણ ન હતું.