યુકે દ્વારા એસાઈલમ સીકર્સને પ્રોસેસિંગ માટે વિદેશ મોકલાશે

Wednesday 24th March 2021 06:17 EDT
 
 

લંડનઃ યુકેની ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ ફેરફારની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની યોજના અનુસાર એસાઈલમ સીકર્સને વિદેશસ્થિત પ્રોસેસિંગ સેન્ટર્સમાં મોકલાઈ શકાય છે. અહેવાલો મુજબ આ યોજનામાં જિબ્રાલ્ટર, આઈલ ઓફ મેન જેવી બ્રિટનની ઓવરસીઝ ટેરિટરીઝ અથવા ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની સિસ્ટમ હેઠળ અન્ય દેશોને પ્રોસેસિંગ સેન્ટર્સ માટે ચૂકવણી કરવાનો સમાવેશ થાય છે.

હોમ સેક્રેટરીએ માઈગ્રન્ટ્સને ઈંગ્લિશ ચેનલમાં જોખમી મુસાફરી કરતા અટકાવવાની પ્રતિજ્ઞા લીધી છે અને ટુંક સમયમાં યુકેની એસાઈલમ અને ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ ફેરફારની વિગતે જાહેરાત કરવામાં આવશે. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર નવા કાયદામાં લોકો-માઈગ્રન્ટ્સની હેરાફેરી કરનારા સ્મગલર્સ માટે આજીવન કેદ તેમજ સરકારી જમીન પર માઈગ્રેશન રીસેપ્શન સેન્ટર્સ સ્થાપવાનો સમાવેશ થાય છે. હાલ એસાઈલમ સીકર્સને હોટલોમાં રાખવામાં આવે છે. એસાઈલમ- રાજ્યાશ્રય ઈચ્છતા માઈગ્રન્ટ્સને ત્રીજા દેશોના પ્રોસેસિંગ સેન્ટર્સમાં મોકલી શકાય તે માટે કાયદામાં ફેરફાર માટે પરામર્શની પણ વિચારણા ચાલે છે.

ઓસ્ટ્રેલિયા દ્વારા ચલાવાતી વિવાદિત યોજનાની માફક માઈગ્રન્ટ્સને રાખી શકે તેવા ઈયુ બહારના ઘણા દેશો સાથે નાણા ચૂકવવાની ચર્ચા પણ ચાલી રહી છે. સરકાર માને છે કે માઈગ્રન્ટ્સને પ્રોસેસિંગ માટે ત્રીજા દેશોમાં મોકલવાનું યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સને સુસંગત બની રહેશે. યુકેથી ૪,૦૦૦ માઈલથી પણ વધુ અંતરે આવેલા એસેન્શન આઈલેન્ડ ખાતે એસાઈલમ સીકર્સને મોકલવા તેમજ સમુદ્રમાં ઉપયોગમાં નહિ લેવાતાં વહાણોને પ્રોસેસિંગ સેન્ટર્સમાં ફેરવવાની પણ યોજના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter