યુકેની હેલ્થ એન્ડ કેર વિઝાનીતિ હળવી કરાઈઃ હજારો ભારતીય સહિત વિદેશી વર્કર્સને લાભ

Thursday 30th December 2021 04:36 EST
 
 

લંડનઃ યુકેના હલ્થકેર સેક્ટરમાં પ્રવર્તમાન સહાયકોની ગંભીર અછતને પહોંચી વળવા સરકારે ભારત સહિતના દેશોમાંથી હજારો વિદેશી કેર વર્કર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ માટે આરોગ્ય સહાયકો અને સારસંભાળ લેનારાઓ માટે વિઝાનીતિ હળવી બનાવી ઓછામાં ઓછાં ૧૨ મહિનાના યુકે હેલ્થ એન્ડ કેર વિઝા આપવામાં આવનાર છે.

બ્રિટને ભારત સહિતના દેશોમાંથી આવતા કેરટેકર્સ માટે વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. વિઝાનીતિમાં છૂટછાટ આપીને મિનિમમ ૧૨ મહિનાના વિઝા સાથે હજારો કેર વર્કર્સની ભરતી કરાશે. આ કામચલાઉ વ્યવસ્થાથી બ્રિટિશ સરકારે કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી કેરવર્કર્સની અછતને દૂર કરવાના પગલાં ભર્યા છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય સારસંભાળ સેક્ટરમાં હાલ સહાયકોની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. જેનાથી અસંખ્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આરોગ્ય સહાયકોની અછતને પહોંચી વળવા માટે સરકારની નવી વિઝાનીતિ ખૂબ જ અસરકારક સાબિત થશે. હળવી વિઝાનીતિથી દેશમાં આવનારા વર્ક ફોર્સથી કેર સેક્ટર્સ પર આવેલું કામનું દબાણ ઘટશે. તેમણે કહ્યું હતું કે વિદેશી નાગરિકો કેર સર્વિસ, ઘરેલું સહાયકો, કેર ટેકર્સ તરીકેની કામગીરી બજાવશે અને બ્રિટિશ સરકાર તેમને પૂરતી સવલતો અને યોગ્ય વાતાવરણ પૂરું પાડશે. ખાસ તો, કોરોના મહામારીના કારણે અશક્ત બનેલા વયોવૃદ્ધ બ્રિટિશ નાગરિકો વિદેશી સહાયકોની ભરતી કરી શકશે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે સરકારના આ પગલાંથી રોગચાળા દરમિયાન અને તે પછી સામાજિક સંભાળના ક્ષેત્રમાં મોટી રાહત થશે. આગામી સમયમાં પણ સરકાર એ દિશામાં યોગ્ય પગલાં ભરીને સહાયકોની અછત દૂર કરવા કટિબદ્ધ છે.વિઝાનીતિમાં ફેરફારથી સોશિયલ કેર એમ્પ્લોયર્સ માટે યોગ્ય વર્કર્સની ભરતી કરવાનું સરળ અને સસ્તું બનશે.

બ્રિટનમાં બ્રેક્ઝિટ પછી કેર સેક્ટરમાં સહાયકોની અછત વર્તાય છે. યુરોપિયન દેશોમાંથી બ્રિટનમાં રહેતા સહાયકો બ્રેક્ઝિટ પછી સ્વદેશ જતા રહેવાના કારણે બ્રિટનના હેલ્થ સેક્ટર, સામાજિક સેક્ટર ઉપરાંત ઘરેલુ સહાયકોની અછત વર્તાતી હતી. આ ઉપરાંત, ભારે વાહનોના ડ્રાઈવર્સની પણ ભારે તંગી છે. આવા સંજોગોમાં બ્રિટનની સરકાર કેર સહાયક અને વાહનચાલકોની મોટાપાયે ભરતી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter