લંડનઃ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે યુકેમાં કામ કરવા, અભ્યાસ કરવા અથવા મુલાતે આવેલા યુક્રેનવાસીઓને પોતાના વતન જવાની ફરજ ન પડે તે માટે તેમના માન્ય વિઝાની મુદત હંગામી ધોરણે 31 ડિસેમ્બર 2022 સુધી લંબાવી આપવાની જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. આ લોકોને અલગ વિઝા રુટમાં ફેરફારની સુવિધા પણ અપાશે.
રશિયાના આક્રમણ પછી યુક્રેનના શહેરોમાં સતત સાઈરન્સ અને દિલધડક વિસ્ફોટોથી ચિંતિત યુક્રેનવાસીઓ પોતાના માલસામાનના પેકિંગ અને પશ્ચિમના દેશો તરફ નાસી છૂટવા તૈયારી કરી રહ્યા છે. આ સમયે યુકે સરકારે યુકેમાં રહેતા યુક્રેનવાસીઓને હૈયાધારણ આપતી જાહેરાત કરી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે પોઈન્ટ્સ આધારિત વિટિઝર વિઝા ધરાવતા યુક્રેનના મુલાકાતી નાગરિકો યુકેમાં તેમનો વસવાટ લંબાવી શકે છે. તેઓ યુકે છોડ્યા વિના જ પોતાના વિઝા પોઈન્ટ્સ આધારિત ફેમિલી સહિતના ઈમિગ્રેશન રુટમાં તબદીલ કરાવી શકે છે. ફેમિલી માઈગ્રેશન રુટ હેઠળની લાયકાત ધરાવનારા લોકો માટે એપ્લિકેશન ફી પણ જતી કરવામાં આવશે.
યુક્રેનના જે નાગરિકો સિઝનલ વિઝા વર્કર તરીકે તેમજ કામચલાઉ હેવી ગુડ્ઝ વ્હિકલ (HGV) ડ્રાઈવર્સ અને પોર્ક બૂચરની નોકરી પર આવ્યા છે તેમના વિઝાની મુદત ૩૧ ડિસેમ્બર 2022 સુધી લંબાવી અપાશે. આ ઉપરાંત, તેમને સ્કિલ્ડ વર્કર વિઝા રુટ માટે અરજી કરવાની છૂટ અપાશે. જોકે, યુકેના અન્ય નાગરિકો માટે નવા વિઝા રુટ્સ બંધ કરી દેવાયા છે કારણકે તેઓ પડોશના પોલેન્ડ જેવા સલામત દેશમાં સ્થાયી થઈ શકે છે.