લંડનઃ હોમ ઓફિસે અરાજકતાપૂર્ણ યુક્રેન રેફ્યુજી સ્કીમમાં સ્રોતોને વાળવા માટે યુકે વિઝા સિસ્ટમના કેટલાક વિભાગો બંધ કરી દીધા છે. ઈમિગ્રેશન નિષ્ણાતોના કહેવા મુજબ આ યોજનાની રુપરેખા બ્યુરોક્રેટિક છે અને યુક્રેનવાસીઓ માટે વિઝાની જરૂરિયાત સરકારે રદ કરવી જોઈએ. યુક્રેન સિવાયના દેશો માટે અભ્યાસ, વર્ક અને પારિવારિક હેતુના પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વિઝાના અરજદારોનું કામકાજ કામચલાઉ બંધ કરી દેવાયું છે. જ્યારે સ્ટાન્ડર્ડ વિઝાનું કાર્ય વિલંબ હેઠળ ચાલે છે.
મોટા ભાગના યુરોપિયન દેશોએ રશિયન આક્રમણથી નાસીને આવતા યુક્રેની શરણાર્થીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે પરંતુ, યુકે દ્વારા તેઓ લાંબા ફોર્મ્સ ભરે અને વિઝા તપાસની પ્રક્રિયામાંથી પસાર થાય તેવો આગ્રય રખાય છે. આમ છતાં, હોમ ઓફિસ પોતાની બ્યૂરોક્રસીમાં વિઝા પ્રક્રિયા કરાવવાની મુશ્કેલી અનુભવે છે. હોમ ફોર યુક્રેન સ્કીમમાં 28,000 અરજીઓ કરાયાં છતાં, ગત સપ્તાહ સુધી માત્ર 2,700 વિઝા ઈસ્યુ કરાયા હતા.
હવે સરકારે અન્ય ઈમિગ્રેશન કામગીરીમાંથી કર્મચારીઓને હટાવી અને કેટલાક વિભાગ સદંતર બંધ કરી જટિલ યુક્રેન પ્રોગ્રામ સાથે કામ પાર પાડવામાં લગાવી દીધા છે. પ્રાયોરિટી વિઝા કામચલાઉ બંધ કરી દેવાયાના પરિણામે, અગત્યના હેતુસર યુકે આવનારા લોકોને મુશ્કેલી પડશે. સ્ટાન્ડર્ડ વિઝાનું કાર્ય પણ ઓછામાં ઓછાં 6 સપ્તાહના વિલંબમાં આવી પડ્યું છે. હોમ ઓફિસ ઈમિગ્રેશન મિનિ સ્ટર કેવિન ફોસ્ટરે આ નીતિના પરિણામે પડનારી અસુવિધા બદલ લોકોની માફી માગી ચલાવી લીધું છે.