લંડનઃ ગત એક વર્ષમાં યુકેમાં રહેવા માટે લાખો વિદેશીઓને વિઝાની ઓફર કરવામાં આવી હતી, જે રેકોર્ડ પરનો સૌથી મોટો આંકડો છે. યુકેએ માર્ચ 2022 સુધીના 12 મહિનામાં 994,951 વિઝા આપ્યા હતા. વિદ્યાર્થીઓ અને કુશળ માઈગ્રન્ટ્સના વધારાને કારણે આટલી સંખ્યા થઈ હતી. ગયા વર્ષે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટ ધારકો માટેની યોજના હેઠળ હોંગકોંગના લોકોને પણ 1,13,000 વિઝા અપાયા હતા. આ ઉપરાંત, 15,451 લોકોને એસાઈલમ અપાયું હતું.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) અનુસાર મુસાફરી પર આકરા પ્રતિબંધો હોવા છતાં જૂન 2021 સુધીના 12 મહિનામાં નેટ ઇમિગ્રેશનનો આંકડો 239,000એ પહોંચ્યો છે. જૂન 2020 સુધીના એક વર્ષમાં ઈમિગ્રેશનની સંખ્યા 260,000 હતી જેમાં નજીવો ઘટાડો થયો હતો. નોન-ઇયુ ઇમિગ્રેશનમાં 332,000 લોકો યુકે આવ્યા હતા અને 81,000 યુકે છોડીને જતા રહ્યા હતા. બ્રેક્ઝિટ પૂર્વેના વર્ષોથી વિપરીત, યુરોપિયન યુનિયનના વધુ નાગરિકોએ યુકેને આગમન કરતાં છોડી દીધું હતું. બ્રેક્ઝિટ અગાઉના વર્ષોની સરખામણીએ યુકેમાં આવનારા 181,000 ઈયુ નાગરિકો કરતાં યુકે છોડી જનારાની સંખ્યા વધુ એટલે કે 193,00 રહી હતી. બ્રેક્ઝિટના કારણે યુકેમાં રહેવાની પરવાનગી અપાયેલા એસાઈલમ સીકર્સની સંખ્યા 30 કરતાં વધુ વર્ષોમાં સર્વોચ્ચ રહી છે. માર્ચ 2022 સુધીના 12 મહિનામાં એસાઈલમ માટેની અરજીઓમાંથી દર ચારમાંથી ત્રણ અરજીને પરવાનગી અપાઈ હોવાનું હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એસાઈલમ અરજીઓને સુવ્યવસ્થિત કરવાના માર્ગો શોધવા નવા એસાઈલમ એક્શન ગ્રૂપની જાહેરાત કરી હતી. સરેરાશ ક્લેઈમના પ્રોસેસિંગમાં એક વર્ષથી વધુ સમય લાગે છે.