લંડનઃ યુકેમાં ઝડપી રેસિડેન્સી મેળવવા માટે ધનવાન ઈન્વેસ્ટર્સને ઓફર કરાતી ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે ઓછામાં ઓછાં ૨ મિલિયન પાઉન્ડનું રોકાણ કરનારા વિદેશી ઈન્વેસ્ટર્સને અપાતા વિઝા બંધ કરવાની કામગીરી ગેરકાયદે ફાઈનાન્સ અને ફ્રોડનો અંત લાવવાની નવી શરૂઆત છે. ઈયુ બહારના ધનવાન લોકોને યુકેમાં રોકાણ કરવા આકર્ષતી ‘ગોલ્ડન વિઝા’ તરીકે ઓળખાતી આ યોજના ૨૦૦૮માં શરૂ કરાઈ હતી જેનો સૌથી વધુ લાભ રશિયન ધનવાનોએ લીધો હતો.
યુકેમાં ૨ મિલિયન પાઉન્ડ અથવા વધુ રોકાણ કરનારા વિદેશી ઈન્વેસ્ટર્સને અપાતા ‘ગોલ્ડન વિઝા’ હેઠળ રેસિડેન્સી ઓફર કરાતી હતી અને તેમના પરિવારોને પણ લાવી શકતા હતા. ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ના વિઝાધારકોને તેમણે કેટલું રોકાણ કર્યું છે તેને આધારિત ઝડપી વસવાટની સવલત મળતી હતી. ૨ મિલિયન પાઉન્ડનું રોકાણ કરનારા પાંચ વર્ષમાં રેસિડેન્સી માટે અરજી કરી શકતા હતા. પાંચ અને દસ મિલિયન પાઉન્ડનું રોકાણ કરનારા માટે અરજીની મુદત અનુક્રમે ત્રણ અને બે વર્ષની રાખવામાં આવી હતી.
જોકે, આ યોજનાથી બ્રિટિશ લોકોને કોઈ લાભ થયો નથી અને ગેરકાયદે લોકોને યુકેમાં વસવાટની નવી તક ઉભી થઈ હોવાથી ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે યુકેમાં વસવાટ હવે શરતી રહેશે કારણકે આ ઈન્વેસ્ટમેન્ટથી ખરેખર કેટલી રોજગારી ઉભી થશે અને યોગ્ય આર્થિક અસર જોવાં મળશે તેના પર ધ્યાન અપાશે. યુકેમાં માત્ર રોકાણ કરવાથી જ વસવાટ મેળવી શકાશે નહિ. આ યોજનાનો સૌથી વધુ લાભ રશિયન ધનવાનોએ લીધો છે અને ૨૦૦૮માં યોજના શરૂ કરાયા પછી માર્ચ ૨૦૨૦ના અંત સુધીમાં કુલ ૨,૫૮૧ રશિયન નાગરિકોને ઈન્વેસ્ટર વિઝા અપાયા છે.