લંડનઃ યુકે દ્વારા વિદેશી યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સને આકર્ષવા હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ (HPI) પ્રકારના નવા વિઝા 30 મેના રોજ જાહેર કરાયા છે. આ ગ્રેજ્યુએટ્સને તેમની ડિગ્રીના સ્તરના આધારે યુકેમાં બે અથવા ત્રણ વર્ષ રહેવા અને કામ કરવાની પરવાનગી આપવામાં આવશે. અરજદારોને નોકરીની ઓફરના પત્રની જરૂર રહેશે નહિ અને આ વિઝાધારકોને યુકેમાં આવી કામ કરવા, સ્વરોજગાર માટે વોલન્ટીઅર થવાની છૂટછાટ મળશે. યુકે સિવાય વિશ્વની ટોચની 50 યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા ભારતીયો સહિતના વિદ્યાર્થીઓ નવા વિઝા રૂટથી બ્રિટન આવી નોકરી કરી શકશે. નવા ‘HPI’ વિઝા રૂટથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે.
ભારતીય મૂળના ચાન્સેલર રિશિ સુનાક અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વના શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે આ નવા વિઝા રૂટની શરૂઆત કરાઈ છે. આ રૂટ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થાને બે વર્ષના વર્ક વિઝા આપવામાં આવશે. જ્યારે PHD થયેલા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના વર્ક વિઝા આપવામાં આવશે. કંપની તરફથી નોકરી ઓફર ન થઇ હોય તો પણ આવા વિદ્યાર્થીઓને વર્ક વિઝા આપવામાં આવશે.
અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA થયેલા ચાન્સેલર રિશી સુનાકે વધુમાં જણાવ્યું છે કે આ નવા વિઝા દર્શાવે છે કે બ્રિટને વિશ્વના શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટિશ સરકારના આ નિર્ણયથી બ્રિટન સંશોધન, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતા માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય હબ બની જશે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ માટે આ એક સારી તક છે.
આ વિઝા માટે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાંથી મેળવેલી ડિગ્રી આવશ્યક રહેશે. વિઝાઅરજી કર્યાના પાંચ વર્ષની અંદર કોઈ પણ વિદ્યાશાખાની ડિગ્રી એનાયત કરાઇ હોય પરંતુ, યુકેની બેચલર્સ ડિગ્રીની સમકક્ષથી ઓછી ન હોવી જોઈએ. બ્રિટિશ સરકાર વર્ષમાં એક વખત Gov.uk વેબસાઈટ પર તેની યાદી જાહેર કરશે. આમાં વિશ્વમાં સર્વોચ્ચ 50માં સ્થાન ધરાવતી ત્રણ પ્રખ્યાત રેન્કિંગમાંથી બેમાં સ્થાન ધરાવતી સ્કૂલ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, ક્વેક્યુરે્લી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ તેમજ ધ એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટી્ઝના રેન્કિંગના આધારે વિશ્વની ટોચની 50 યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. જેમાં, અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ચીન, સિંગાપોર, ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. જોકે, આ રેન્કિંગમાં ભારતની કોઈ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી.
દરમિયાન, ભારતીયો સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેમાં કોઈ ણ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેઓ ગત વર્ષની જુલાઈથી શરૂ કરાયેલા ‘ગ્રેજ્યુએટ વિઝા’ અથવા તો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા નામથી લોકપ્રિય સ્કીમ હેઠળ ત્રણ વર્ષ સુધી યુકેમાં રોકાણ કરી જ શકે છે. ધ ગાર્ડિયને એક સર્વેને ટાંકતા અહેવાલમાં જણાવ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બે વર્ષના બદલે ત્રણ વર્ષ રહેવા અને કામ કરવાની પરવાનગી મળે તો તેઓ યુકેમાં અભ્યાસ કરવા આવવાનું વિચારે તેવી ઘણી શક્યતા છે. રિપોર્ટે ઉમેરે છે કે આવો વધારો ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને વધુ આકર્ષી શકશે.