વ્યક્તિદીઠ હદપારીનો ખર્ચ £૧૩,૩૫૪

૨૩ ચાર્ટર ફ્લાઈટ્સ દ્વારા ૩૨૨ વ્યક્તિ દેશનિકાલઃ જાન્યુઆરી ૨૦૧૯થી ૬,૪૫૦ વિદેશી ગુનાખોરોને દૂર કરાયા

Friday 26th March 2021 07:43 EDT
 

લંડનઃ હોમ ઓફિસે વર્ષ ૨૦૨૦ના છેલ્લા ત્રણ મહિનામાં ૩૨૨ વ્યક્તિને ચાર્ટર ફ્લાઈટ મારફત યુકેથી દેશનિકાલ કર્યા હતા જેની પાછળ વ્યક્તિદીઠ ૧૩,૩૫૪ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૦ ગણો હતો.

No-Deportations સંસ્થાએ માહિતી અધિકાર મારફત મેળવેલા રિસ્પોન્સ અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૦ના ત્રણ મહિનાના ગાળામાં હોમ ઓફિસે ૨૩ ચાર્ટર ફ્લાઈટ્સ દ્વારા ૩૨૨ વ્યક્તિને દેશનિકાલ કરવા પાછળ ૪.૩ મિલિયન પાઉન્ડનો એટલે કે વ્યક્તિદીઠ ૧૩,૩૫૪ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ નિયમિત ફ્લાઈટ્સની ટિકિટની સરેરાશ કિંમત કરતાં ૧૦૦ ગણી હતી તેમજ અગાઉના વર્ષના આ જ સમયગાળાના ખર્ચમાં ૧૧.૫ ટકા વધુ હતો. ૨૦૧૯ના છેલ્લાં ત્રણ મહિનામાં ચાર્ટર ફ્લાઈટ મારફત વ્યક્તિને હદપાર કરવાનો ખર્ચ ૧૧,૯૭૫ પાઉન્ડ થયો હતો.

હોમ ઓફિસે સંબંધિત ગાળામાં જે ૨૩ ચાર્ટર ફ્લાઈટ્સનો ઉપયોગ કર્યો તેમાંથી મોટા ભાગની ફ્લાઈટ્સમાં ૧૦ કરતાં ઓછાં પ્રવાસી હતા એને કેટલીકમાં તો માત્ર પાંચ પેસેન્જર હતા. હોમ ઓફિસના કહેવા અનુસાર દેશનિકાલ કરાયેલી વ્યક્તિ દ્વારા છેલ્લી ઘડીએ કાનૂની પડકાર અપાયાથી આવી સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૧૯ના છેલ્લાં ત્રણ મહિનામાં હદપાર કરાયેલી વ્યક્તિની સંખ્યા ૩૭ હતી જે ૨૦૨૦માં વધીને ૩૨૨ તેમજ ચાર્ટર ફ્લાઈટ્સની સંખ્યા ચાર હતી તે છ ગણી વધીને ૨૩ થઈ હતી.

બ્રેક્ઝિટ સમયમર્યાદા અગાઉ ૨૦૨૦માં ઈયુ દેશો માટે ચાર્ટર ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો. ઈયુ સભ્યપદ હેઠળ એસાઈલમ સીકર્સને પ્રથમ સલામત દેશમાં પહોંચવા માટે વ્યવસ્થાતંત્ર છે પરંતુ, તેમને પાછા મોકલવા આ સિસ્ટમનો લાભ સરકારોને મળતો નથી. ઈમિગ્રેશન કોમ્પ્લાયન્સ એન્ડ જસ્ટિસ મિનિસ્ટર ક્રિસ ફિલ્પે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૧૯થી ૬,૪૫૦ વિદેશી ગુનાખોરોને દૂર કરાયા છે તેમજ યુકેમાં રહેવાનો અધિકાર નહિ ધરાવતા અને વિદેશી ક્રિમિનલ્સને દેશનિકાલ કરવા બદલ માફી માગીશું નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter