લંડનઃ ડચ ISIS લડવૈયાની પત્ની શમીમા બેગમ તેની નાગરિકતા પાછી મેળવવા માટેની લડાઈ યુકેમાં રહીને લડી શકશે નહિ તેમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ઠરાવ્યું છે. તત્કાલીન હોમ સેક્રેટરી સાજિદ જાવિદે નેશનલ સિક્યોરિટીના કારણોસર શમીમા બેગમની બ્રિટિશ નાગરિકતા રદ કરી હતી.
શમીમાએ યુકેમાં રહેવા દેવા અને નાગરિકતા પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે શમીમાં યુકેમાં આવી નાગરિકતા માટેની લડાઈ ચલાવી શકશે નહિ એટલે કે અપીલ કરવા પણ યુકેમાં પ્રવેશી શકશે નહિ તેવો ચુકાદો આપ્યો છે. જો તે, યુકે પાછી ફરે તો તેની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. શમીમાએ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે તેને ISIS સાથે જોડાયાનો કોઈ અફસોસ નથી પરંતુ, તેને બચાવી લઈ યુકે પાછી લઈ જવાય તેવી આજીજી કરી હતી.
યુકે છોડી સીરિયા માટે લડતા જેહાદીઓ સાથે જોડાયેલી ૨૧ વર્ષીય શમીમા બેગમ અન્ય જેહાદી પત્નીઓ અને બાળકો સાથે ઉત્તર સીરિયાના અલ-રોજ રેફ્યુજી કેમ્પમાં રહે છે. તેણે ડચ ISIS ફાઈટર સાથે લગ્ન કર્યા હતા જે પકડાઈ ગયા પછી જેલવાસમાં છે. શમીમાના ત્રણ બાળકો મોત પામ્યા છે. શમીમાએ હોમ ઓફિસ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. તેણે દલીલ કરી હતી કે તેની નાગરિકતા રદ કરવાનું પગલું ગેરકાયદે છે કારણકે તેનાથી તે દેશવિહોણી બની છે અને મોત અથવા અમાનવીય વર્તણૂંકનો શિકાર બની શકે છે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે શમીમા દેશવિહોણી નથી અને તે બ્રિટિશ-બાંગલાદેશી બેવડી નાગરિકતા ધરાવે છે. શમીમાં બાંગલાદેશી મૂળની છે પરંતુ, બાંગલાદેશના વિદેશ મંત્રાલયે શમીમા બાંગલાદેશની નાગરિક નથી અને તેને દેશમાં નહિ આવવા દેવાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
ગત વર્ષે જુલાઈમાં કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે યોગ્ય અને અસરકારક અપીલ કરી શકે તે માગે એકમાત્ર માર્ગ તેને યુકેમાં પ્રવેશની પરવાનગી આપવાનો છે. હોમ ઓફિસે નવેમ્બરમાં આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.