લંડનઃ બ્રિટન સમક્ષની ચેનલ માઈગ્રન્ટ્સની કટોકટી ગંભીર બની રહી છે ત્યારે શરણાર્થીઓને દેશ બહાર રાખવાની વિચારણા વેગ પકડી રહી છે. માઈગ્રન્ટ્સની રાજ્યાશ્રયની અરજીઓ પર કાર્યવાહી કરાય તે દરમિયાન તેમને દેશમાં નહિ રાખવાની દરખાસ્તો થઈ છે. આ માટે આઈલ ઓફ વેઈટ, સ્કોટલેન્ડના અંતરિયાળ શેટલેન્ડ્સ ટાપુઓ અથવા આઈલ ઓફ મેન ખાતે ખાસ વસાહતો કે પ્રોસેસિંગ સેન્ટર્સ બાંધવાના તેમજ માઈગ્રન્ટ્સને મોરોક્કો, મોલ્ડોવા અથવા પપુઆ ન્યૂ ગિની પણ મોકલવાના વિકલ્પોની પણ વિચારણા થઈ છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના કહેવાથી યોજાએલી બેઠકમાં એસાઈલમ સીકર્સને સાઉથ એટલાન્ટિકના બ્રિટન હસ્તક સેન્ટ હેલેના અને એસેન્શન ટાપુઓ પર મોકલવાનો વિચાર પણ રજૂ કરાયો હતો. જોકે, આ ટાપુઓ બ્રિટનથી હજારો માઈલ દૂર છે અને તેની પાછળના ખર્ચ તેમજ ચીજવસ્તુઓની હેરફેરની સમસ્યાઓ જોતાં આ દરખાસ્ત અવ્યવહારુ ગણાવાયો હતો. નોર્થ સીમાં હાલ કામગીરીમાં ન લેવાતી જૂની ઓઈલ રિગ્સ કે પ્લેટફોર્મ્સ પર પણ માઈગ્રન્ટ્સને રાખી શકાય છે. આ ઉપરાંત, જૂની થઈ ગયેલી ફેરીઝ- જહાજોને ખરીદી તેને એસાઈલમ પ્રોસેસિંગ સેન્ટરમાં ફેરવવાનો અન્ય એક વિકલ્પ પણ વિચારણા હેઠળ છે. અન્ય દેશો શરણાર્થીઓની અરજી પર કાર્યવાહી થાય ત્યાં સુધી ક્યાં રાખે છે તેવો પ્રશ્ન પ્રીતિ પટેલે ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તેના આવા શરણાર્થીઓને પપુઆ ન્યૂ ગિની અને નાઉરુ ઓવરસીઝ ટાપુઓ પર રાખે છે.
હોમ સેક્રેટરી પટેલ માને છે કે ઓફશોર પ્રોસેસિંગ સેન્ટર્સ યુકેના શહેરો અને ટાઉન્સમાં સ્થાયી થવાની આશા રાખતા માઈગ્રન્ટ્સને અવરોધશે. ગયા મહિને ૪૦૦ જેટલા એસાઈલસ સીકર્સને રાખવા કેન્ટના ફોકસ્ટોન ખાતે બીજા વિશ્વયુદ્ધ સમયની બેરેક્સ ઉપયોગમાં લેવાઈ હતી. આનો હેતુ ફ્રાન્સથી ઈંગ્લિશ ચેનલ ગેરકાયદે ઓળંગી યુકે આવવા ઈચ્છતા માઈર્ગ્રન્ટ્સનો સ્પષ્ટ સંદેશો આપવાનો છે કે તેમના માટે યુકેમાં સ્થાન નથી. બ્રિટન આવવા સાથે સપ્તાહના ૪૦ પાઉન્ડની અપાતી ખર્ચી-એલાઉન્સ અને સંપૂર્ણ સુવિધાયુક્ત રહેઠાણોની સરખામણીએ માઈગ્રન્ટ્સને તેમની અરજીઓ પર વિચારણા થાય ત્યાં સુધી અંતરિયાળ સ્થળોએ અસુવિધાજનક વાતાવરણમાં રહેવાનું આવશે.
એક વિશ્લેષણ અનુસાર આ વર્ષમાં લગભગ ૭,૦૦૦ લોકો નાની બોટ્સમાં ચેનલ ઓળંગી બ્રિટનના કિનારે આવી પહોંચ્યા છે. બોટ્સને અટકાવવા રોયલ નેવીની મદદ લેવા છતાં, તેમને અટકાવી શકાતા નથી.