લંડનઃ યુકેમાં આશ્રય મેળવવા ઈચ્છતા લોકો તેમની અરજી પર વિચાર કરાઈ રહ્યો હોય ત્યારે પ્રતિબંધના લીધે કામકાજ કરી શકતા નથી. જોકે, તેમના માટે લડી રહેલા કેમ્પેઈનર્સનું કહેવું છે કે બ્રિટનમાં આવ્યાના 6 મહિના પછી તેમને કામ કરવાની છૂટ અપાવી જોઈએ. આ મુદ્દે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા પણ થઈ હતી.
એક નવા અભ્યાસ અનુસાર બહુમતી (81 ટકા) બ્રિટિશ પ્રજાએ મત દર્શાવ્યો છે કે યુકેમાં તેમના એસાઈલમ વિશે ક્લેઈમના એક વર્ષ પછી એસાઈલમ સીકર્સ કામના અધિકાર માટે અરજી કરી શકે તે નિયમોમાં સુધારો થવો જોઈએ. કેમ્પેઈનર્સ કહે છે કે યુકે ઉચ્ચ કૌશલ્ય ધરાવનારા લોકોની સતત માગણી કરે છે ત્યારે સરકારે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા હજારો એસાઈલમ સીકર્સનો ઉપયોગ કરવો જોઈએ.
હાલ સરકારના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ પરના સ્કિલ્ડ પ્રોફેશન્સની ટુંકી યાદીમાં આવતા હોય તેવા થોડા લોકોને જ આવી છૂટ મળે છે. યુદ્ધ, દમન કે સંઘર્ષથી નાસી છૂટેલા શરણાર્થીઓએ એસાઈલમ માટે અરજી કરવી પડે છે અને દિવસના માત્ર 5.84 પાઉન્ડના સરકારી એલાવન્સ પર જ જીવન ગુજારવું પડે છે. ધ નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલમાં હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પસાર કરાયેલા સુધારા મુજબ એસાઈલમ ક્લેઈમ કર્યાના 6 મહિના પછી કામનો અધિકાર આપવામાં આવી શકે છે.
રેફ્યુજી એક્શન સહિત લિફ્ટ ધ બેન કોએલિશન માટે હાથ ધરાયેલાં YouGov મતદાનમાં 81 ટકા બ્રિટિશરોએ આ સુધારાને ટેકો આપ્યો હતો જેમાં કન્ઝર્વેટિવ મતદારો માટે પણ આ જ આંકડો રહ્યો હતો. બીજી તરફ,2019માં લેબર અને લિબ ડેમને મત આપનારા માટે અનુક્રમે ટકાવારી 87 અને 88 ટકાની હતી.