લંડનઃ યુકેમાં આશ્રય માગનારા હજારો અફઘાનો સહિત લોકોના કેસીસનું હોમ ઓફિસ દ્વારા પ્રોસેસિંગ વિક્રમી રીતે પડતર છે. જૂન ૨૦૨૧ સુધીમાં ૭૦,૯૦૫ એસાઈલમ સીકર્સ માટે કોઈ નિર્ણય લેવાયો ન હતો. ઓછામાં ઓછાં ૫૪,૦૪૦ (૭૬ ટકા) લોકો ૬ મહિના કરતાં વધુ સમયથી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષે આ સંખ્યા ૩૮.૭૫૬ની હતી.
તાલિબાનના ભયે અફઘાનિસ્તાન છોડી આવનારા હજારો શરણાર્થીઓ અને એસાઈલમ સીકર્સને સ્વીકારવાનું દબાણ યુકે પર વધી રહ્યું છે ત્યારે ધ રેફ્યુજી કાઉન્સિલે એસાઈલમ સિસ્ટમ બરાબર કામ કરતી ન હોવાની ચેતવણી આપી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે પણ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજાના પ્રાથમિક તબક્કામાં અફઘાનોના એસાઈલમ દાવાઓ નકારવા બદલ યુકે સરકારની આકરી ટીકા કરી છે.
હોમ ઓફિસના આંકડા મુજબ જૂન ૨૦૨૧ સુધીના વર્ષમાં આશરે ૩૦૦૦ અફઘાનો એસાઈલમ વિશે નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ ગાળામાં ૧,૦૮૯ અફઘાનોના એસાઈલમ દાવાઓનો નિકાલ કરાયો હતો જેમાંથી માત્ર ૪૮૯ને ચોક્કસ પ્રકારનું પ્રોટેક્ટિવ સ્ટેટસ અપાયું હતું. હોમ ઓફિસે પડતર દાવાઓ માટે જૂનીપુરાણી સિસ્ટમને દોષિત ઠરાવતા કહ્યું હતું કે સૌથી વધુ અસહાયતા ધરાવનારા લોકોને પ્રાથમિકતા આપવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
કાબૂલથી યુકે આવેલા મોટા ભાગના અફઘાનોને અફઘાન રિલોકેશન્સ એન્ડ આસિસ્ટન્સ પોલિસી (ARAP) હેઠળ રેસિડેન્સી અપાઈ છે પરંતુ, આ ઈમિગ્રેશન રુટ સ્થાનિક રીતે નોકરીમાં રખાયેલા અને જીવનનું ગંભીર જોખમ ધરાવતા વર્તમાન અથવા પૂર્વ કર્મચારીઓને જ લાગુ પડે છે.