લંડનઃ યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અત્યાર સુધી આગમન પહેલાનો કોવિડ નેગેટિવ PCR ટેસ્ટ જરૂરી ગણાતો હતો તે હવેથી આવશ્યક નથી તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત, યુકેમાં આ પછીના બે દિવસે PCR ટેસ્ટ કરાવાતો હતો અને તે નેગેટિવ ન આવે ત્યાં સુધી સેલ્ફ આઈસોલેટ થવું પડતું હતું તે જોગવાઈ પણ રદ કરાઈ છે.
યુકેમાં ઓમિક્રોનના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રાવેલ નિયંત્રણોથી સંક્રમણનો ફેલાવો અટકશે તેમ હવે મનાતું નથી. બુધવારે સવારે મળેલી કેબિનેટ મીટિંગમાં નવા કોઈ નિયંત્રણો નહિ લાદવા ઉપરાંત, પ્લાન બી હેઠળના અગાઉના નિયંત્રણો યથાવત રાખવા સંમતિ સધાઈ હતી. વડા પ્રધાન જ્હોન્સને કોમન્સમાં જણાવ્યું હતું કે પ્લાન બી નિયંત્રણો સાથે લોકો શક્ય હોય ત્યાં હજુ ઘરમાં જ રહીને કામ કરી શકે છે તેમજ ઈનડોર જાહેર સ્થળો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત ગણાશે.
વડા પ્રધાન જ્હોન્સને મંગળવારે એવી જાહેરાત પણ કરી હતી કે ફૂડ પ્રોસેસિંગ, ટ્રાન્સપોર્ટ અને બોર્ડર ફોર્સ સહિત મહત્ત્વના સેક્ટર્સમાં સ્ટાફની સામૂહિક તંગીને નિવારવા ૧૦ જાન્યુઆરીથી ૧૦૦,૦૦૦થી વધુ વર્કર્સને રોજિંદા કોવિડ ટેસ્ટ્સ કરાવવાના રહેશે. મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ-સંગઠનોમાં ટેસ્ટિંગ કિટ્સ મોકલી દેવાશે. ઓમિક્રોનના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં લોકોનું દાખલ થવાનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી NHSની ક્ષમતા વધારવા ઓન-સાઈટ નાઈટિંગલ હોસ્પિટલો બંધાઈ રહી છે. આ ઉપરાંત, મેડિકલ સ્ટાફ ઘરમાં જ રહીને કોવિડ પેશન્ટ્સનું ધ્યાન રાખી શકે તેવા ૨૫૦૦ ‘વર્ચ્યુઅલ બેડ્સ’ પણ તૈયાર કરાઈ રહ્યા છે.