લંડનઃ આ વર્ષે નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ક્રોસ કરી બ્રિટન આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થઈ હોવાનું કહેવાય છે. ૪ ઓગસ્ટે વધુ ૩૦૦ માઈગ્રન્ટ્સ આવ્યા હતા. હોમ ઓફિસે ૪ ઓગસ્ટ બુધવારે કેટલા માઈગ્રન્ટ્સ આવ્યા તે સ્પષ્ટ જણાવ્યું ન હતું પરંતુ, ડોવર મરીના ખાતે ઓછામાં ઓછાં ૨૬૯ માઈગ્રન્ટ્સની ગણતરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ધ ટાઈમ્સ દ્વારા ઓછામાં ઓછાં, ૩૦૦ માઈગ્રન્ટ્સનો આંકડો મૂકાયો છે. ચેનલ પાર કરીને ગેરકાયદે આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા મક્કમ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગ્રીક સરકારના પ્રધાનોની મુલાકાત કરી હતી.
આ વર્ષે ચેનલ પાર કરી બ્રિટન આવેલા ગેરકાયદે માઈગ્રન્ટ્સની સંખ્યા ૨૦૨૦માં આવેલા કુલ માઈગ્રન્ટ્સની સંખ્યા કરતાં ૧૬૦૦ વધી છે. એમ મનાય છે કે હુંફાળા હવામાન અને શાંત દરિયાના કારણે કેન્ટ ખાતે ઉતરનારા માઈગ્રન્સની સંખ્યામાં ઉછાળો આવશે અને દૈનિક ૪૩૦ના આગમનનો વિક્રમ તૂટી જશે.
ટાઈમ્સે જુલાઈમાં જણાવ્યું હતું કે બોર્ડર ફોર્સના માનવા મુજબ આ વર્ષના અંત સુધીમાં ૨૨,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવી પહોંચશે જે ગત વર્ષની નોંધાયેલી ૮,૪૨૦ની સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણી હશે. હોમ ઓફિસે આવા માઈગ્રન્ટ્સને ક્વોરેન્ટાઈનમાં રાખવા સાગમટે હોટેલ્સ બુક કરેલી છે. જોકે, તેના નિયમોનું પાલન થતું ન હોવાનું કહેવાય છે. કેટલાક માઈગ્રન્ટ્સને હોટેલ બહાર જવા છૂટ અપાતી હોવાનું પણ બહાર આવ્યું છે.