લંડનઃ યુકેમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સની ઘૂસણખોરીના પ્રયાસ વધતા ગયા છે. ફ્રાન્સથી લોરીમાં છૂપાઈને આવનારા માઈગ્રન્ટ્સનું સ્મગલિંગ ઘટવા સાથે ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવતા લોકોની સંખ્યા વધી છે. પોલીસ આંકડા અનુસાર વર્ષ ૨૦૨૦માં ૮,૫૦૦ લોકો યુકે પહોંચ્યા હતા તેમજ ૧૫,૦૦૦થી વધુ લોકોએ ચેનલ પસાર કરવા પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી આવા ગેરકાયદે પ્રયાસોની જાણકારી અપાઈ નથી.
હોમ ઓફિસના આંકડા જણાવે છે કે ૮,૫૦૦ માઈગ્રન્ટ્સ વર્ષ ૨૦૨૦માં યુકે પહોંચ્યા હતા જે તેની અગાઉના વર્ષ કરતાં ૧,૮૫૦ વધુ છે. ગયા વર્ષે ૧૫,૦૦૦થી વધુ લોકોએ ચેનલ પાર કરવા પ્રયાસ કર્યો હતો. નોર્ધર્ન ફ્રાન્સ તેમજ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ જેવા અન્ય પોઈન્ટ્સ પરથી માઈગ્રન્ટ્સે ઈંગ્લિશ ચેનલ પાર કરી બ્રિટન આવે છે. યુરોપિયન પોલિસીંગ એજન્સી યુરોપોલના રિપોર્ટમાં જણાવાયું છે કે પૂરતા સુરક્ષા પગલાં તેમજ મહામારીમાં ટ્રાન્સપોર્ટેશન નહિવત્ થઈ જવાના કારણે લોરીઝમાં કરાતી માનવ હેરફેર ઘટી જવા સાથે ચેનલ પાર કરવાના પ્રયાસો વધી ગયા છે. ૨૦૨૦ના જાન્યુઆરીથી ડિસેમ્બર મધ્ય સુધીમાં સંબંધિત દેશોની એજન્સીઓ દ્વારા ૧,૩૦૦ ઘટનાઓ નોધવામાં આવી હતી જેમાં, ૧૫,૦૦૦થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સ નાની બોટ્સ, રજિસ્ટર્ડ વહાણો અને મોટર યોટ્સમાં છુપાઈ ઈંગ્લિશ ચેનલ પાર કરવામાં ઝડપાયા હતા.
નવેમ્બરમાં એક ટ્રાઉલરમાં છુપાઈ પૂર્વીય યુકેના પોર્ટ તરફ જતા ૬૯ આલ્બેનિયન પુરુષ અને સ્ત્રી માઈગ્રન્ટ્સને નેશનલ ક્રાઈમ એજન્સીના ઓપરેશનમાં ઝડપી લેવાયા હતા. જોકે, યુકેમાં ગેરકાયદે પ્રવેશ માટે તેમની ધરપકડના એક મહિના પછી કાનૂની કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી કારણકે તેમણે કદી બ્રિટિશ ભૂમિ પર પગ મૂક્યો ન હતો જે, કાયદા હેઠળ મુખ્ય ધોરણ ગણાય છે.