લંડનઃ હોંગકોંગર્સ બહુ ટુંકા ગાળામાં બ્રિટન માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઈમિગ્રન્ટ્સ જૂથોમાં એક બની રહ્યા છે. નવા સર્વે અનુસાર હોંગકોંગવાસીઓ મોટા પાયા પર યુકેમાં સ્થળાંતર કરવા વિચારી રહ્યા છે. ૨૦૨૧ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં લગભગ ૮૯,૦૦૦ હોંગકોંગર્સે નાગરિક સ્વાતંત્ર્યના ઝડપી ધોવાણના પગલે યુકેની નવી વિઝા યોજના અંતર્ગત ત્યાં સ્થિર થવા અરજી કરી છે.
આની સરખામણીએ ૨૦૨૧ના પ્રથમ નવ મહિનાના ગાળામાં સમગ્ર વિશ્વના દેશોમાંથી કુલ ૧૮૪,૦૦૦ લોકોએ યુકેના વર્ક વિઝા માટે અરજી કરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના માન-યી કાને થિન્ક ટેન્ક માઈગ્રેશન ઓબ્ઝર્વેટરી માટે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (bno) સ્ટેટસ ધરાવતા ૧૦૦૦ હોંગકોંગર્સનો સર્વે કર્યો હતો. જેઓ બ્રિટને ૧૯૯૭માં હોંગકોંગ પરનો કાબુ ચીનને સુપરત કર્યો તે પહેલા એટલે કે ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં જન્મ્યા હોય તેઓ bno સ્ટેટસ ધરાવે છે. આ લોકો વધુ શિક્ષિત છે અને તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે.
સર્વે મુજબ, ૨.૯ મિલિયન એટલે કે ૧૮૬,૦૦૦ અને તેમના આશ્રિત હોંગકોંગર્સ bno સ્ટેટસ ધરાવે છે તેમાંથી ૬ ટકાથી થોડા વધુ લોકોએ બ્રિટિશ વિઝા યોજના હેઠળ અરજી કરી છે અને વધુ ૩૨ ટકા તેના વિશે વિચારી રહ્યા છે. જોકે, આગામી પાંચ વર્ષમાં આશરે ૩૮૦,૦૦૦ હોંગકોંગવાસીઓ અરજી કરી શકે છે. આ લોકોને બ્રિટનમાં આઝાદી મળશે અને તેઓ વધુ સમૃદ્ધિ ઝંખતા નથી. જોકે, તેમનું ભવિષ્ય તદ્દન બદલાઈ જશે. એશિયનો ૧૯૬૦ અથવા ૧૯૭૦ના દાયકામાં ખાલી ખિસ્સે ઈસ્ટ આફ્રિકા છોડીને નાસી આવ્યા હતા તેમને યુકેમાં પગ જમાવતા વર્ષો લાગી ગયા. હવે તેઓ સરેરાશ બ્રિટિશર કરતા વધુ શિક્ષિત અને સમૃદ્ધ છે તેમજ મેનેજરિયલ અને પ્રોફેશનલ નોકરીઓ ધરાવે છે તે પણ હકીકત છે.