લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો યુકે ઈયુમાંથી બહાર નીકળશે તો યુકે-ઈન્ડિયા સંબંધોને ભારે ઉત્તેજન સાંપડશે. આના પરિણામે, વેપારધંધા અને ઈમિગ્રેશનને પણ અસર થશે.
પ્રીતિ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે ગત ૪૦ વર્ષમાં ઈયુમાં યુકેના સભ્યપદથી ભારત સહિત બાકીના વિશ્વ સાથે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ વિકસાવવામાં ભારે અવરોધો સર્જાયા છે. ઈયુ સાથે રહેવાનો અર્થ એ છે કે ભારત અને યુકેના અર્થતંત્રોને લાભકર્તા ગાઢ વેપારીસંબંધોને આકાર આપવામાં યુકે નબળી સ્થિતિમાં રહેશે. ઈયુમાં આપણી આગવી વેપારનીતિનું અસ્તિત્વ રહેતું નથી. આપણે કોમનવેલ્થ અને અન્ય દેશો સાથે વેપારીસંબંધો વધારવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે ભારત ગતિશીલ અને ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આગામી થોડાં દાયકામાં તેની વસ્તી ૨૦૦,૦૦૦,૦૦૦ને આંબી જશે અને વર્કિંગ એજ વસ્તી પણ દુનિયાના કોઈ પણ દેશ કરતા વધી જશે. યુકેસ્થિત ડાયસ્પોરાએ સ્થાપેલા બિઝનેસીસ સહિત બ્રિટિશ ધંધાઓ ભારતીય બજારમાં પ્રવેશવા અને પરસ્પર લાભકારી વેપારી સોદાઓ કરવા આતુર છે. કન્ઝર્વેટિવ સરકારે ભારત સાથે સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ઈયુના સ્વહિતોના અવરોધોથી આપણે આગળ વધી શકતાં નથી.
ઈયુના સભ્ય હોવાના કારણે યુકેએ પોતાની સરહદો અને ઈમિગ્રેશન નીતિ પરનો કાબુ ગુમાવી દીધો છે. ઈયુ નિયમોના લીધે અન્ય સભ્યોના ૫૦૦ મિલિયન નાગરિકો માટે યુકે ખુલ્લો દેશ બની ગયો છે. દેશમાં હાઉસિંગ, જાહેર સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ અસર પડી છે. ઈયુ માઈગ્રન્ટ્સને અટકાવી શકાતા નથી, જ્યારે બિન-ઈયુ દેશોના કુશળ ઈમિગ્રન્ટ્સને નિયંત્રણો સહન કરવા પડે છે, તેમ પણ પ્રીતિ પટેલે કહ્યું હતું.