બ્રસેલ્સઃ યુરોપિયન યુનિયન (ઈયુ)એ તેના 450 મિલિયન નાગરિકોને ચેતવણી જાહેર કરી ઓછામાં ઓછાં ત્રણ દિવસ ચાલે તેટલા પ્રમાણમાં માટે ખોરાક, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓનો સ્ટોક કરવા જણાવ્યું છે. યુદ્ધ, સાઈબર હુમલો, જળવાયુ પરિવર્તન અને મહામારીનાં વધતાં જોખમને ધ્યાનમાં લઈ આ ચેતવણી જાહેર કરાઈ છે. ઈયુની એડવાઈઝરીમાં લોકોને ખોરાક, પાણી, ટોર્ચ, આઈડી પેપર, દવાઓ, રોકડ અને શોર્ટવેવ રેડિયો જેવી વસ્તુઓનો સ્ટોક કરવા જણાવાયું છે.
દરમિયાન, ફ્રાન્સની રાજધાની પેરિસમાં 30થી વધુ દેશોના નેતા, નાટો અને યુરોપિયન યુનિયનના પ્રમુખની મળેલી બેઠકમાં યુક્રેનને વધુ સૈન્યસહાય અને યુરોપિયન સૈનિકોની સંભવિત તૈનાતીની ચર્ચા થઈ હતી. ફ્રાન્સ અને બ્રિટને ભવિષ્યમાં રશિયા દ્વારા યુરોપ પર આક્રમણની શક્યતા સામે વિશેષ ગઠબંધન રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોંએ યુક્રેનનાં મુખ્ય શહેરો અને વ્યૂહાત્મક સ્થળોએ યુરોપિયન સૈનિકો તૈનાત કરી શકાય તેવી સ્પષ્ટતા કરી હતી. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે રશિયા 2030 સુધીમાં યુરોપ પર આક્રમણ કરવા સક્ષમ બની શકે તેવી ચેતવણી આપી હતી.