લંડનઃ ઈયુ કમિશને નો-ડીલ બ્રેક્ઝિટ માટે પોતાની યોજના જાહેર કરી છે, જે અનુસાર યુકેની એરલાઈન્સની કામગીરી પર નિયંત્રણો આવશે અને બ્રિટિશ વસાહતીઓ પણ ઈયુ દેશોમાં રહેવાના અધિકાર ગુમાવશે. જો યુકે સાથેની મંત્રણાઓ નિષ્ફળ જાય તો બ્રિટિશ એરલાઈન્સને યુકે અને યુરોપ ખંડ વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની પરવાનગી અપાશે પરંતુ, તેઓ ઈયુ એરપોર્ટ્સ વચ્ચે ઉડ્ડયન કરી શકશે નહિ તેમજ યુરોપથી યુએસ માટેની સેવાઓ ઓપરેટ કરી શકશે નહિ. બીજી તરફ, થેરેસા મે સરકારે પણ ૨૦૧૯ના માર્ચ મહિનામાં ઈયુમાંથી બહાર નીકળવાના આઘાતને સહન કરવાના એક્શન પ્લાન્સમાં બિલિયન્સ પાઉન્ડ ફાળવવા માંડ્યા છે.
બ્રસેલ્સ બ્લુપ્રિન્ટમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, એર ટ્રાન્સપોર્ટ અને કસ્ટ્મ્સ સહિત ૧૪ ક્ષેત્ર આવરી લેવાયાં છે, જ્યાં સમજૂતી વિના યુકેના બહાર નીકળવાથી નાગરિકો તેમજ ૨૭ ઈયુ દેશોમાં બિઝનેસીસ માટે સમસ્યા સર્જાઈ શકે છે. નવા નિયમમાં ઈયુના ૨૭ દેશ અને યુકે વચ્ચે ચોક્ક્સ હવાઈસેવા માટે ૧૨ મહિનાની હંગામી છૂટ અપાશે. આ જ રીતે માર્ગ દ્વારા માલસામાનની હેરફેરને પણ અસર થશે અને પાયાનો સંપર્ક જાળવી રાખવા યુકેના ઓપરેટર્સને નવ મહિના હેરફેર સુવિધા અપાશે.
ઈયુ કમિશને ચેતવણી આપી છે કે સંઘમાં રહેતા યુકેના નાગરિકોને ઈયુના સભ્ય દેશોમાં પ્રવેશ, રહેવાસ અને કામના અધિકારના નિયમો લાગુ પડશે. ટુંકા રોકાણ માટે (૧૮૦ દિવસના ગાળામાં ૯૦ દિવસ સુધી) યુકેના નાગરિકોને વિઝાની જરુરિયાતમાં રાહત મળશે. જોકે, આ માટે શરત એ છે કે યુકે દ્વારા પણ ઈયુ દેશના નાગરિકો માટે આવી જ સવલત અપાય. ત્રીજા દેશના નાગરિકોએ ઈયુ દેશમાં ૯૦થી વધુ દિવસ માટે રહેવું હોય તો નેશનલ માઈગ્રેશન સત્તાવાળાઓ પાસેથી રેસિડન્સ પરમિટ અથવા લોન્ગ-સ્ટે વિઝા મેળવવાના રહેશે. કોઈ ઈયુ દેશમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા વસાહતીઓને ચોક્કસ શરતોને આધીન અને ઈયુ નિયમો અનુસાર જે તે દેશમાં લોન્ગ ટર્મ રેસિડેન્ટ સ્ટેટસ આપવામાં આવશે. ઈયુના તમામ નાગરિકોને યુકે દ્વારા વિઝામાફી અપાય તો યુકેના રજા ગાળનારા નાગરિકોને વિઝા જરુરિયાતોમાંથી માફી અપાશે.