લંડનઃ બ્રેક્ઝિટ પછી ઈયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે જણાવ્યું હતું કે બ્રિટનમાં ઈયુ નાગરિકોની મુક્ત હેરફેર ઓછામાં ઓછી ૨૦૨૧ સુધી ચાલુ રહેશે. જ્યારે સરકારે અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચમાં બ્રિટન જ્યારે ઈયુ છોડશે ત્યારથી ઈયુ નાગરિકોની મુક્ત હેરફેર બંધ થશે અને તે પછી આવતા ઈયુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
પરંતુ, ડેવિસે જણાવ્યું હતું કે લોકોની કામ કરવાની અથવા મુલાકાતની યોગ્યતા સાથે રજિસ્ટ્રેશન સ્કીમને કોઈ લેવાદેવા રહેશે નહીં અને તેને લીધે અમને ભવિષ્યની જાહેર સેવાઓની સારી યોજના ઘડવા અને ભવિષ્યની ઈમિગ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં મદદ મળશે. તેમની ટિપ્પણીથી ટ્રાન્ઝિશન ડીલથી યુકેના ઈયુમાં સભ્યપદની મુદત લંબાશે તેવી ચિંતાને વેગ મળશે. ડેવિસે ઉમેર્યું હતું કે ટ્રાન્ઝિશનના ગાળા દરમિયાન ઈયુના નવા કાયદા ઘડવામાં યુકે કોઈ રજૂઆત કરી શકશે નહીં પરંતુ તેનો યુકેએ અમલ કરવો પડશે. કસ્ટમ્સ યુનિયનમાં ભાગ લેવાથી સ્વતંત્ર વેપાર કરારો માટે વાટાઘાટો અને હસ્તાક્ષરો કરવા કોઈ આપણને રોકશે નહીં.
ડેવિસે જણાવ્યું હતું,‘ બ્રિટિશ અર્થતંત્ર અને બ્રિટિશ લોકોના હિત માટે અમે બ્રેક્ઝિટ ઈચ્છીએ છીએ અને તે બાબતે ચાન્સેલર અને મારી તેમજ વડાપ્રધાન વચ્ચે કોઈ જ મતભેદ નથી. કાર્યપ્રણાલિ વિશે દલીલો થશે પરંતુ તે પણ બદલાશે. અમારી પાસે જે વિકલ્પો છે તે વાટાઘાટોની પ્રક્રિયા દરમિયાન બદલાશે.’