લંડનઃ યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી મોટી લશ્કરી તાકાત છે. યુનિયન સમક્ષ માઈગ્રન્ટ્સ-શરણાગતોની મોટી સંખ્યા, આર્થિક નબળાઈ અને રશિયા સાથે શીતયુદ્ધની વધતી સંભાવના સહિતના વિકરાળ પ્રશ્નો છે. આ સમયે બ્રસેલ્સ ઈયુ મજબૂત છે તેમ વિશ્વને દેખાડવા માટે જર્મની અને ફ્રાન્સના શરણે જશે તે સ્વાભાવિક છે. ઈટાલી પણ કટોકટીની વાટાઘાટોમાં ભૂમિકા ભજવે તેવી પણ શક્યતા છે.
યુકેએ મુખ્યત્વે બે એગ્રીમેન્ટ્સ કરવા પડશેઃ ઈયુ બજેટમાં બ્રિટિશ ફાળાઓનો અંત લાવવા ડાઈવોર્સ સંધિ કરવી પડશે તેમજ ઈયુમાં વસતાં ૧.૨ મિલિયન બ્રિટિશરો અને બ્રિટનમાં વસતાં ત્રણ મિલિયન ઈયુ નાગરિકોના દરજ્જા વિશે માર્ગ કાઢવાનો થશે. આ સાથે યુરોપિયન પડોશીઓ સાથે ભાવિ વેપાર અને અન્ય સંબંધો વિશે પણ એગ્રીમેન્ટ કરવાનો રહેશે.
ટસ્ક સહિતના ઈયુ નેતાઓ કહે છે તેમ આ બન્ને સમજૂતી પર આવવામાં સાત વર્ષ લાગી શકે છે અને સફળતાની કોઈ ગેરન્ટી નથી. બ્રસેલ્સના કેટલાક સૂત્રો અનુસાર ફ્રાન્સ અને જર્મની મતદાન પછી પોતાનું વલણ હળવું બનાવી શકે છે. જોકે, કેટલાંક એમ કહે છે કે ઈયુ દેશો અને ખાસ કરીને ફ્રાન્સ ઈયુ છોડવાની કેટલી આકરી કિંમત ચુકવવી પડે તે બ્રિટનને અને અન્ય દેશોને સમજાય તે માટે કઠોર સમાધાન માટે દબાણ કરશે.
આ વાટાઘાટોનું એક સંભવિત પરિણામ એ આવી શકે કે લિટી ઓફ લંડનની બેન્કો અને નાણાકીય પેઢીઓને બાકીના ઈયુ સાથે સેવાઓના વેચાણ માટેની છૂટ આપતા આકર્ષક ‘ઈયુ પાસપોર્ટ’ રદ કરી દેવાશે. જોકે, કાગળ પર તો તાત્કાલિક કશું બદલાશે નહિ. ઈયુ સાથે કાનૂની ડાઈવોર્સ ન થાય ત્યાં સુધી તો યુકે તેનું સભ્ય છે અને તમામ ઈયુ નિયમોનું પાલન કરવાનું રહેશે.
થિઅરીમાં તો યુકેને સભ્યપદના બદલામાં મળતા નિર્ણય કરવાના વિશેષાધિકાર યથાવત રહેશે, પરંતુ વાસ્તવમાં સત્તા પાછી ખેંચી લેવાશે અને બ્રસેલ્સની કાઉન્સિલોમાં બ્રિટિશ રાજદ્વારીઓને હાંસિયામાં ધકેલી દેવાશે. યુકે ટેક્સ અને વિદેશનીતિ જેવાં ક્ષેત્રોમાં વીટો અધિકાર ધરાવશે, પરંતુ અર્થતંત્ર અને બિઝનેસ સહિતના કેટલાંક ક્ષેત્રોમાં ઈયુ નિર્ણયોમાં યુકેના અવાજને મહત્ત્વ નહિ અપાય.