વજન ઘટાડવા બારી પાસે બેસીને જમોઃ રેસ્ટોરાંમાં ભોજન કરતી વેળાએ બારી પાસે બેસવાનો નુસખો એક ડાયેટ પ્લાન તરીકે ભલે જરા વિચિત્ર લાગે, પરંતુ વજન ઘટાડવા માટેના લડાઈમાં કોઈ પણ પ્રયાસ બાકી રાખવા ન જોઈએ. એક નવા પુસ્તકમાં જણાવ્યાં અનુસાર રેસ્ટોરાંમાં બારી પાસે બેસવાથી તમે આહારમાં કેટલી કેલરીનો વપરાશ કરો છો તેના પર અસર થાય છે. બારી પાસે અથવા સારા પ્રકાશિત સ્થળે બેસનારા લોકો સલાડ અથવા અન્ય આરોગ્યપ્રદ ખોરાક લેતાં હોય છે. જ્યારે દરવાજાથી દૂર અંધારા ખૂણામાં બેસનારા લોકો પૂડિંગનો ઓર્ડર આપે તેવી શક્યતા વધારે હોય છે. તેઓ ભારે ભોજન લે છે અને તે અનુસાર વાનગીઓનો ઓર્ડર આપે છે
ઈર્ષાળુ, ગમગીન સ્ત્રીઓને અલ્ઝાઈમરનો ખતરો વધુઃ બદલાતા મૂડ્સ સાથે ન્યૂરોટિક સ્વભાવ અને લાંબા સમયથી તણાવ અનુભવતી મધ્ય વયની સ્ત્રીઓને સ્મૃતિભ્રંશ અથવા અલ્ઝાઈમર રોગ થવાનું જોખમ બમણાં હોવાનું નવા સંશોધનમાં જણાયું છે. યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના સ્વીડિશ વિજ્ઞાનીઓએ લગભગ ચાર દાયકા સુધી ૮૦૦ સ્ત્રીઓનો અભ્યાસ કર્યો હતો. સામાન્યની સરખામણીએ જે સ્ત્રીઓ સૌથી ચિંતાતુર, ઈર્ષાળુ અને મૂડી હતી અને લાંબા સમયથી તાણ અનુભવતી હતી તેમને અલ્ઝાઈમર થવાનું જોખમ બમણું જણાયું હતું. અગાઉ, કોઈ અભ્યાસમાં મધ્ય વયની સ્ત્રીઓમાં અલ્ઝાઈમરના વધતાં જોખમ અંગે લગભગ ૪૦ વર્ષનાં ગાળાનું સંશોધન થયું નથી, તેમ સંશોધક લેના જોહાનસ્સને જણાવ્યું હતું.
ગ્રિફિથની બ્રિટિશ નેશનલ પાર્ટીમાંથી હકાલપટ્ટીઃ જમણેરી બ્રિટિશ નેશનલ પાર્ટી (બીએનપી)એ તેના પૂર્વ નેતા નિક ગ્રિફિથને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. જુલાઈ મહિનામાં તેમણે પક્ષના નેતાપદનો ત્યાગ કર્યો હતો. પક્ષના સભ્યોને હેરાન કરવા તેમ જ ઉચ્ચ નેતાઓ અને પક્ષમાં કટોકટી હોવાં વિશે ઈરાદાપૂર્વક જૂઠાણાં ફેલાવવાના આક્ષેપો તેમની સામે કરાયા હતા. એક સભ્યને ધમકી આપ્યાનો પણ તેમના પર આક્ષેપ હતો. તેઓ પોતાના અનુગામી નેતા આદમ વોકરની સૂચનાઓનું પાલન કરતા ન હતા. પક્ષની વર્તણૂંક સમિતિએ તેમને દોષિત ઠરાવ્યા હતા. જોકે, ૧૫ વર્ષ સુધી પક્ષનું નેતૃત્વ અને રાજીનામા પછી માનદ પ્રમુખ બનેલા ૫૫ વર્ષીય ગ્રિફિથે કમિટીનાં તારણો ફગાવી દીધાં હતાં.
ટેક્સ ડિસ્ક્સ નાબૂદીમાં હજારો ડ્રાઈવરોને નુકસાન ગયુંઃ ટેક્સ ડિસ્ક્સ નાબૂદી હેઠળ હજારો વાહનચાલકોને ટેક્સ ડિસ્કાઉન્ટનું વચન અપાયું હતું. જોકે, જે રીતે કાયદો બદલાયો છે તેનાથી તેમાં વિલંબ સર્જાયો છે. DVLA પાસે દરેક વાહન અને તેના ચૂકવાયેલાં કે વણચૂકવાયેલાં ટેક્સનો ડિજિટલ રેકોર્ડ છે. આથી, પેપર ડિસ્ક્સની જરૂર રહેતી નથી. કાયદાની નવી પદ્ધતિ હેઠળ ગયા મહિને વાહન રિન્યુ કરાવનારા ડ્રાઈવરોએ ચૂકવેલાં સરચાર્જના ૩.૩ મિલિયન પાઉન્ડ સરકારી તિજોરીમાં પહોંચી ગયાં છે. જોકે, ઓક્ટોબરથી સરચાર્જ ૧૦ ટકાથી ઘટી પાંચ ટકા થતાં ઓક્ટોબરની ચૂકવણી કરી દેનારા વાહનચાલકોને નુકસાન થયું છે.
વોન્ગા ૨૨૦ મિલિયન પાઉન્ડની લોન માંડવાળ કરશેઃ યુકેના સૌથી મોટા પે-ડે લેન્ડર વોન્ગાને બીજો આઘાત પહોંચ્યો છે. વોન્ગાએ સંઘર્ષરત ૩૩૦,૦૦૦ ગ્રાહકોનું ૨૨૦ મિલિયન પાઉન્ડનું દેવું માંડવાળ કરવા યુકેના રેગ્યુલેટર સાથે સંમતિ દર્શાવી છે. આ ગ્રાહકો નવી કડક એફોર્ડિબિલિટી તપાસ જોગવાઈ હેઠળ નવી લોન માટે લાયક બની શકે તેમ ન હતાં. અગાઉ, ૨૦૧૩માં ટેક્સ અગાઉનો નફો અડધો દર્શાવ્યાનું જાહેર થતાં પેડે ધિરાણકારે તેની પ્રતિષ્ઠા બચાવવા પોતાનું વોન્ગા નામ પડતું મૂકવા સહિતના વિશેષ પગલાં વિચારવાની ફરજ પડી છે.
પેરન્ટ્સ સાથે રહેતાં પુખ્ત સંતાનો ખર્ચમાં ફાળો આપતાં નથીઃ એક ઈન્સ્યુરન્સ કંપનીના સંશોધન અનુસાર પોતાના માતા-પિતા સાથે એક ઘરમાં રહેતા પુખ્ત સંતાનોમાંથી અડધોઅડધ ઘર ચલાવવાના ખર્ચા કે બિલ્સની ચૂકવણીમાં કોઈ ફાળો આપતાં નથી. પેરન્ટ્સના અંદાજ મુજબ એક પુખ્ત બાળકને પોષવાનો સાપ્તાહિક ખર્ચ ૭૨ પાઉન્ડ થાય છે, જે વાર્ષિક ૩,૭૦૦ પાઉન્ડ કરતાં વધુ છે. ૨૦થી ૩૪ વયજૂથના ૨૫ ટકા એટલે કે આશરે ૩.૩ મિલિયન પુખ્ત બાળકો માતા-પિતા સાથે રહે છે. સંતાનો ઘર છોડી જાય તે પછી પણ પુખ્ત સંતાનોને નાણાકીય ટેકો આપવાનું બંધ થતું નથી. પાંચમાંથી એક મા-બાપ તેમના પુખ્ત બાળકો પોતાની જિંદગી જીવવા માંડે ત્યારે પણ તેમને સરેરાશ ૨,૬૦૦ પાઉન્ડની નાણાસહાય કરતાં હોય છે.