લંડનઃ 14મું યુકે-આફ્રિકા બિઝનેસ સમિટ લંડનમાં યોજાયું હતું. પ્રમોટા આફ્રિકા ગ્રૂપના એમડી વિલી મુટેન્ઝા દ્વારા આયોજિત સમિટમાં સમગ્ર વિશ્વમાંથી મૂવર્સ અને શેકર્સ એકત્ર થયા હતા. આ સમિટમાં યુગાન્ડાના ટ્રેઝરી સેક્રેટરી રામાથન ગગૂબીએ સ્પષ્ટ સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ‘ઈસ્ટ આફ્રિકા તો બિઝનેસ માટે ખુલ્લું છે પણ બ્રિટિશરો વધુપડતા સાવધ રહે છે અને વિવિધ કારણોસર આફ્રિકન દેશો સાથે વેપાર કરવામાં ખચકાટ અનુભવે છે. અન્ય વિદેશીઓએ જોખમ ઉઠાવ્યું છે, તકો હાંસલ કરી છે અને ઘણી સારી કામગીરી બજાવી રહ્યા છે. તમારે ડરવાની જરૂર નથી.’
સમિટમાં 60થી વધુ વક્તાએ સંબોધનો કર્યા હતા જેમાં, લોર્ડ ડોલર પોપટ, ડો. સુધીર રુપારેલિયા, યુગાન્ડાના સૌથી ધનવાન રુથ નાનકાબિરવા અને એનર્જી મિનિસ્ટર કરીમ ફતેહી MBE, નિન્ડેર જોહેલ ઈજિપ્શિયન મિનિસ્ટર તામેર અલી, હાઈ કમિશનર નિમિષા માધવાણી, કિથ સ્ટોક્સ-સ્મિથ, સિડ જીવાણી, રાજન નાઝરાન, ડો. નૂરઝમાન રશિદ, ફારુક વિરજી અને પારમિતા દાસગુપ્તાનો સમાવેશ થયો હતો.
સમિટમાં ઉપસ્થિત ડેલિગેટ્સમાં મિહિર પટેલ, જાફર કપાસી OBE, ઉમી રાડીઆ, પરેશ ખેતાણી, પરેશ રુઘાણી, એન્ટ્રેપ્રીન્યોર સ્ટીફન ડીડુન્ગુ, હર્ષદ કોઠારી, કીરિટ તેલી, સિમોન મેક્આર્ટ, સિડ જીવાણી, મિલન પટેલ, જગબીર અથવાલ, ચંદન પાલ અને જીન લે ગ્રિક્સ ડ લા સાલેનો સમાવેશ થયો હતો.
સમિટના ચાવીરૂપ વિષયો ઓઈલ અને ગેસ, ટેકનોલોજી, એગ્રીબિઝનેસ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ હતા અને દરેક વિષય પર પેનલચર્ચા યોજાઈ હતી. મોડરેટર્સમાં બ્રિટિશ ઘાનિઅન જર્નાલિસ્ટ હેન્રી બોન્સુનો સમાવેશ થયો હતો. મેફેર હોટેલના ફોયર વિસ્તારનો ઉપયોગ પ્રદર્શન અને નેટવર્કિંગ માટે કરવામાં આવ્યો હતો.
પ્રશ્નોત્તરીના ભાગરૂપે કાઉન્સિલર રજની ખિરોયાએ યુકે અને એન્ટેબી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો. મોડરેટરે આ પ્રશ્નનો ઉત્તર આપવા યુગાન્ડા એરલાઈન્સના સીઈઓ જેનિફર બામુટુરાકીને સ્ટેજ પર બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવા આ રૂટને ટુંક સમયમાં જ મંજૂરી મળી જશે. આ જાહેરાતને સહુએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
15મુ યુકે-આફ્રિકા બિઝનેસ સમિટ 12 સપ્ટેમ્બર 2025ના રોજ લંડનમાં યોજાનાર છે. વધુ માહિતી માટે વેબસાઈટ www.ukafricasummit.ukની મુલાકાત લઈ શકાય છે.