ઈસ્ટ લંડનમાં હજારો મૃતદેહ સમાવતા શબગૃહનું નિર્માણ

Monday 06th April 2020 01:07 EDT
 
 

લંડનઃ બ્રિટનનો મૃત્યુઆંક ૮૬૪ છળીને ૩૬૦૫ના આંકડે પહોંચ્યો છે ત્યારે NHS નાઈટિંગેલમાંથી આવનારા હજારો કોરોનાગ્રસ્ત મૃતકોને રાખવા માટે ઈસ્ટ લંડનમાં ફૂટબોલની બે પીચના કદ જેટલા વિશાળ શબગૃહનું નિર્માણ કરી રહ્યું છે. આ મોર્ગ સિટી ઓફ લંડન ક્રીમેટોરિયમ નજીકની જમીનમાં વિકસાવાઈ રહ્યું છે જયાં એક્સેલ સેન્ટર ખાતે નાઈટિંગેલ હોસ્પિટલમાંથી આવનારા મૃતકોને રખાશે તેવી ધારણા છે. મેઈલ ઓનલાઈનના જણાવ્યા અનુસાર આ દુઃખદ સમાચાર ન્યૂ હામના મેયર રુખસાના ફિઆઝ દ્વારા સ્થાનિક રહેવાસીઓને પત્રો પાઠવી મોકલાયા હતા.

નાઈટિંગેલ કોરોનાવાઈરસ હોસ્પિટલ સહિત કોવિડ-૧૯ના હજારો મૃતકોને સમાવી શકે તેવું વિશાળ શબઘર ઈસ્ટ લંડનમાં બનાવાઈ રહ્યું છે. ફૂટબોલની બે પીચ જેટલી સાઈઝનું આ શબઘર સિટી ઓફ લંડન ક્રીમેટોરિયમ નજીક વનની જમીનમાં બંધાય છે જે, હોસ્પિટલથી ત્રણ માઈલ કરતા ઓછાં અંતરે છે. કોરોનાના ૪,૦૦૦ પેશન્ટ્સની સારવારની ક્ષમતા સાથેની નાઈટિંગેલ હોસ્પિટલમાં હાલ ૫૦૦ પેશન્ટ રખાય તેવી શક્યતા છે.

મેયર ફિઆઝે પત્રમાં લખ્યું છે કે,‘ આ સુવિધા મૃતદેહોને આદર અને માન સાથે અંતિમ સંસ્કાર અથવા દફન માટે લઈ જવાય તે અગાઉ રાખવા માટેની છે. કોરોના વાઈરસ જીવલેણ છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકાર દ્વારા વધારાના શબઘર માટે જગ્યા શોધાઈ રહી છે અને તેમાંની એક ન્યૂ હામના મેનોર પાર્કમાં છે.’ જોકે, તેમણે કોરોના વાઈરસના મૃતકોના પરિવારોને ચેતવણી આપી હતી કે શોકગ્રસ્ત સગાં આ સ્થળની મુલાકાત લઈ શકશે નહિ.’ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા કડક સલાહ અપી છે કે શોકગ્રસ્તોએ કોરોના વાઈરસ અથવા તેના લક્ષણથી મોત પામેલા વ્યક્તિના શરીરનાં સંપર્કમાં આવી શકે તેવાં કોઈ કર્મકાંડ કે કામગીરીમાં ભાગ લેવો જીએ નહિ કારણકે મૃતકના શરીરમાંથી પણ સંક્રમણનું જોખમ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter