લંડનઃ ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા ઝેરીલા કેમિકલ્સ હોવાની ભારે શક્યતા છે.
યુનિવર્સિટી ઓફ એડિનબરાના વૈજ્ઞાનિકોનું સંશોધન ‘ન્યુટ્રીશન’ જર્નલમાં પ્રસિદ્ધ કરાયું છે, જેના તારણો જણાવે છે કે લોકો નીચા તાપમાને રંધાયેલો ખોરાક ખાતા હોય તો જીવલેણ હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે. સંશોધકોએ ઊંચા ઉષ્ણતામાને રાંધવાની પરંપરાગત પદ્ધતિઓ ધરાવતી કોમ્યુનિટીઓમાં હૃદયરોગનું પ્રમાણ શાથી વધારે હોય છે તેની તપાસ આરંભી હતી. સંશોધનમાં જણાયું હતું કે ૧૫૦ સેન્ટિગ્રેડથી વધુ તાપમાને ખોરાક રાંધવાથી તેના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે, જેના પરિણામે ઝેરીલા પદાર્થો સર્જાય છે. સાઉથ એશિયન વાનગી ઊંચા તાપમાને રંધાય છે, જે વધુ ટ્રાન્સ-ફેટી એસિડ્સનું ઉત્પાદન કરે છે. જોકે, ચીનમાં હૃદયરોગનું પ્રમાણ ઓછું છે ત્યાં રાંધણપદ્ધતિમાં વરાળ અને ઉકાળવાનો સમાવેશ વધુ રહે છે, જેનાથી ટ્રાન્સ-ફેટી એસિડ્સનું ઉત્પાદન ઓછું થાય છે.