લંડનઃ એ-લેવલના પરિણામ જાહેર થઇ ગયાં છે. આ વર્ષે ટોપ ગ્રેડ A* મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. એ – લેવલની પરીક્ષા આપનારા દર 10માંથી એક વિદ્યાર્થીને A* ગ્રેડ પ્રાપ્ત થયો છે. જોકે ટોચના ગ્રેડ મેળવનારાની સંખ્યામાં પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી સ્કૂલ તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના તફાવતમાં વધારો થયો હતો.
ગુરુવારે સવારે જાહેર કરાયેલા એ – લેવલના પરિણામોમાં 27.8 ટકા પરીક્ષાર્થીઓને A અથવા A* ગ્રેડ પ્રાપ્ત થયાં હતાં. જે ગયા વર્ષ કરતાં 0.6 ટકાનો વધારો દર્શાવે છે. કોરોના મહામારીના વર્ષોને બાદ કરીએ તો A* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ રહી હતી. જોકે પાસ થનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 97.2 ટકા પર આવી ગઇ હતી. 2023માં કુલ 97.3 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા.
પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી સ્કૂલના પરિણામોમાં 27.1 ટકાનો તફાવત જોવા મળ્યો હતો. પ્રાઇવેટ સ્કૂલોના 49.4 ટકા જ્યારે સરકારી સ્કૂલોના 22.3 ટકા વિદ્યાર્થીઓને A અથવા તેથી ઊંચો ગ્રેડ પ્રાપ્ત થયો હતો. ગયા વર્ષે આ તફાવત 25.4 ટકા રહ્યો હતો.
લંડનના વિદ્યાર્થીઓ દ્વારા શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરાયાં
એ-લેવલના પરિણામોમાં લંડનના વિદ્યાર્થીઓએ દેશમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યાં હતાં. લંડનમાં 31.3 ટકા વિદ્યાર્થીએ A અથવા A* ગ્રેડ હાંસલ કર્યાં છે. જે 2023ની સરખામણીમાં 1.3 ટકાનો વધારો દર્શાવે છે. સાઉથ ઇસ્ટ રિજિયનમાં 30.8 ટકા વિદ્યાર્થીઓએ A અથવા A* ગ્રેડ હાંસલ કર્યાં છે.
દેશ પ્રમાણે A અથવા A*ગ્રેડ
ઇંગ્લેન્ડ – 27.6 ટકા
વેલ્સ – 29.9 ટકા
નોર્ધન આયર્લેન્ડ – 30.3 ટકા
રિજિયન પ્રમાણે A અથવા A*ગ્રેડ
લંડન – 31.3 ટકા
સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ – 30.8 ટકા
ઇસ્ટર્ન ઇંગ્લેન્ડ – 27.5 ટકા
સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ – 26.9 ટકા
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ – 25.5 ટકા
વેસ્ટ મિડલેન્ડ્સ – 24.8 ટકા
યોર્કશાયર-હમ્બર – 24.6 ટકા
નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ – 23.9 ટકા
ઇસ્ટ મિડલેન્ડ્સ – 22.5 ટકા