લંડનઃ નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી બ્રિટન આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે. ગુરુવાર ૧૨ નવેમ્બરે ૧,૧૮૫ માઈગ્રન્ટ્સ યુકેની ધરતી પર આવી પહોંચ્યા હતા જે એક દિવસનો સૌથી મોટો વિક્રમ છે. બ્રિટિશ સરકારે ચેતવણી આપતાં જણાવ્યું છે કે ફ્રાન્સ તરફથી આવતા માઈગ્રન્ટ્સની આટલી મોટી સંખ્યા અસ્વીકાર્ય છે.
બોર્ડર ગુરુવારે ધાબળાઓમાં વીંટાયેલા બાળકો સહિત માઈગ્રન્ટ્સને કેન્ટના ડોવરની સરહદે નાની બોટ્સમાંથી ઉતારવામાં આવ્યા હતા. તાજેતરના સપ્તાહોમાં ઓછામાં ઓછી બે વ્યક્તિ ઈંગ્લિશ ચેનલ ઓળંગવાની આ જોખમી યાત્રાના પ્રયાસમાં મોતને ભેટી હતી જ્યારે અનેક લોકો સમુદ્રમાં લાપતા થયાનો ભય છે. ડેટા અનુસાર આ વર્ષમાં ૨૨,૩૦૦થી વધુ લોકો સફળતાથી ચેનલ ઓળંગી યુકે આવ્યા હોવાનું કહેવાય છે જે, સમગ્ર ૨૦૨૦માં આવેલી સંખ્યાના બમણાથી વધુ છે.
આના પરિણામે, યુકે સરકારે ગેરકાયદે માઈગ્રન્ટ્સનો પ્રવાહ અટકાવવા ઈમિગ્રેશન અંકુશ મજબૂત કરવા ફ્રાન્સને ૫૪ મિલિયન પાઉન્ડ આપવાની સમજૂતી કરી હતી. ફ્રાન્સ સરકારે ચેનલ ઓળંગવાના સાત ગેરકાયદે પ્રયાસોને આંતરીને ૯૯ લોકોને યુકે પહોંચતા અટકાવ્યા હતા. અગાઉ, ૩ નવેમ્બરે એક જ દિવસમાં નાની બોટ્સમાં યુકે આવનારા ગેરકાયદે માઈગ્રન્ટ્સની સૌથી વધુ સંખ્યા ૮૫૩ નોંધાઈ હતી.
ચિકન અને પિઝાના ભોજનથી સત્કાર
ચેનલ ઓળંગીને આવેલા માઈગ્રન્ટ્સનો ભારે સત્કાર કરાયો હતો અને હોમ ઓફિસે ડોવર પ્રોસેસિંગ સાઈટ ખાતે તેમના માટે ચિકન શિશ મિલ્સ અને ડોમિનો પિઝા તેમજ ડ્રિન્ક્સના ઓર્ડર કર્યા હતા. ચાર સ્થાનિક ટર્કિશ રેસ્ટોરાંમાંથી એકના ૧૪.૫૦ પાઉન્ડ લેખે ૩,૦૦૦ ચિકન શિશ મંગાવાયા હતા જ્યારે પિઝાની સંખ્યા સેંકડોમાં હતી. આ ઉપરાંત, રાઈસના ૩ પાઉન્ડ અને બ્રેડના ૨ પાઉન્ડ સાથે એક વ્યક્તિના ભોજન માટે ૧૯.૫૦ પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. હોમ ઓફિસના કર્મચારીઓએ ૧૧૮૫ માઈગ્રન્ટ્સના દિવસ અને રાતના ભોજન માટે ભારે દોડાદોડી કરી હતી.