લંડનઃ વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીનું જીવન કેવી રીતે વીતશે તેની જાણકારી માત્ર એક બલ્ડ ટેસ્ટથી મળી શકશે. લોહીનાં થોડાં જથ્થાના પરીક્ષણથી ડોક્ટરો દર્દીઓમાં કોઈ રોગના લક્ષણો જોવા મળે તેના વર્ષો પહેલા જ ડિમેન્શિયા, કાર્ડિયોવાસ્કુલર રોગો, સ્ટ્રોક, ટાઈપ-ટુ ડાયાબિટીસ, કેન્સર તેમજ અન્ય રોગો થવાની શક્યતાનું મૂલ્યાંકન કરી શકશે. Ageing Cell જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ ૫,૦૦૦ લોકોના અભ્યાસમાં લોહીમાં મળતા ચોક્કસ ‘બાયોમાર્કર્સ’ અથવા કેમિકલ્સના કોમ્બિનેશન્સ કે પેટર્ન્સ શોધી છે.
સંશોધકોએ આના આધારે આઠ વર્ષ પછી અભ્યાસમાં ભાગ લેનારાના હેલ્થ પરિણામોને ચકાસ્યા હતા. તેમને રોગો અને અક્ષમતાથી મુક્ત વૃદ્ધાવસ્થા તેમજ અનેક રોગોના જોખમો સાથે સંકળાયેલી વિવિધ પેટર્ન્સ જોવાં મળી હતી. હાલમાં હાર્ટ ડિસીઝ જેવી ચોક્કસ પરિસ્થિતિની આગાહી કરવા વિવિધ ટેકનોલોજી અસ્તિત્વમાં છે ત્યારે નવા અભિગમથી ડોક્ટરો તેમના પેશન્ટના સમગ્રતયા ભાવિ આરોગ્યનું સઘન ચિત્ર દોરી શકશે. લોહીના બંધારણથી જે રોગોનું જોખમ જોવાં મળ્યું હશે તેને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કે પ્રીવેન્ટિવ સારવાર દ્વારા દૂર કરવાની લોકોને તક મળશે.
અલગ અલગ ૨૬ બાયોમાર્કર્સની ઓળખ સંશોધકોએ કરી છે. અભ્યાસ હેઠળના અડધા લોકોમાં સરેરાશ ૧૯ જેટલા બાયોમાર્કર્સની પેટર્ન્સ જોવાં મળી હતી, જ્યારે અન્ય ગ્રૂપ્સની પેટર્ન્સ સામાન્યથી અલગ હતી. નવી ટેક્નિક્સ વ્યક્તિનાં ટેલોમીઅર્સ તરીકે ઓળખાતા અને વ્યક્તિ કેટલી ઝડપે વૃદ્ધ બનશે તે જણાવવામાં મહત્ત્વપૂર્ણ નિર્દેશક ક્રોમોસોમ્સના છેડાંના માળખાને માપવાનું કાર્ય કરે છે.