લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું છે કે જો તેની સરકાર ચૂંટાશે તો છેલ્લા એક વર્ષમાં યુકેમાં ગેરકાયદેસર આવેલા તમામ 90,000 માઇગ્રન્ટ્સને રવાન્ડા અથવા તેમના વતનના દેશમાં પરત મોકલી અપાશે. પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે, અમે ઇલલીગલ માઇગ્રેશન એક્ટનો અમલ કરવા પ્રતિબદ્ધ છીએ. આ કાયદો સરકારને ગેરકાયદેસર માઈગ્રન્ટ્સને અટકાયતમાં લેવા, રવાન્ડા જેવા સુરક્ષિત અથવા તેમના વતનના દેશમાં દેશનિકાલ કરવાની સત્તા આપે છે.
ઇલલીગલ માઇગ્રેશન એક્ટના દાયરામાં 90,000 માઇગ્રન્ટ્સ આવે છે જેમને રાજ્યાશ્રયનો અધિકાર અપાશે નહીં. જેવો આ કાયદો અમલમાં આવશે તેમને રવાન્ડા અથવા વતનના દેશમાં પરત મોકલી અપાશે. રિફ્યુઝી કાઉન્સિલના એક અંદાજ પ્રમાણે 2024ના અંત સુધીમાં આ સંખ્યા 1,15,000 પર પહોંચી શકે છે.
શું સરકાર તમામ 90000 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં સક્ષમ છે? તેવા એક સવાલના જવાબમાં હોમ ઓફિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવાન્ડા યોજનામાં સંખ્યાની કોઇ મર્યાદા નથી. જોકે રવાન્ડા સાથે કરાયેલી સંધિ અનુસાર પાંચ વર્ષમાં ફક્ત 30,000 માઇગ્રન્ટ્સને જ મોકલી શકાશે.
રવાન્ડાની પહેલી ફ્લાઇટ 24 જુલાઇએ રવાના કરવાની હતીઃ સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે રવાન્ડા ફ્લાઇટનો પ્રારંભ ક્યારે થવાનો હતો તેની ચોક્કસ તારીખની જાહેરાત કરી દીધી છે. રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું માનુ છું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇને જતી રવાન્ડાની પહેલી ફ્લાઇટ 4 જુલાઇના મતદાનના 3 સપ્તાહ બાદ 24 જુલાઇએ રવાના કરવાની યોજના હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાનું શરૂ કરી દીધું છે. એરફિલ્ડને સ્ટેન્ડબાય રખાયાં છે અને વિમાનોનું બુકિંગ પણ કરી લીધું છે. અમે 24 જુલાઇના રોજ પહેલી ફ્લાઇટ રવાના કરવાના હતા. ત્યારબાદ સંખ્યાબંધ ફ્લાઇટ રવાના થવાની હતી.
ગેરકાયેદસર માઇગ્રેશન વૈશ્વિક કટોકટી બની ચૂક્યું છેઃ રિશી સુનાક
જી-૭ શિખર સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે ચેતવણી આપી હતી કે ગેરકાયદેસર માઇગ્રેશન વૈશ્વિક કટોકટી બની ચૂક્યું છે. આ કટોકટી સામે લડવા નવા વૈશ્વિક પગલાંની જરૂર પડશે. હવે યુરોપમાં પણ ગેરકાયદેસર માઇગ્રેશન મુદ્દે વલણ સ્પષ્ટ રીત બદલાઇ ગયું છે. રિશી સુનાકની સાથે જી-૭ના વૈશ્વિક નેતાઓ પણ સહમત થયાં હતાં. તેમણે ગેરકાયદેસર માઇગ્રેશિનના કારણો અને માઇગ્રન્ટ્સનો ગેરલાભ લેતી ક્રિમિનલ ગેંગો સામે પગલાં લેવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આપણા ઇતિહાસમાં કોઇપણ સમય કરતાં અત્યારે સૌથી વધુ લોકો સરહદો પાર કરીને સ્થળાંતર કરી રહ્યાં છે. આપણે એકબાજુ પર ઊભા કહીને આ કટોકટી અને કરૂણાંતિકા સામે આંખ આડા કાન કરી શકીએ નહીં.