લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ધાર્મિક નફરત ચરમસીમા પર પહોંચી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ધર્મ આધારિત હેટ ક્રાઇમમાં 25 ટકાનો રેકોર્ડ વધારો થયો છે. જેના માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને પણ જવાબદાર માનવામાં આવે છે.
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર માર્ચ 2024 સુધીના છેલ્લા એક વર્ષમાં પોલીસમાં નોંધાયેલા હેટ ક્રાઇમ 8370થી વધીને 10,484 પર પહોંચી ગયાં હતાં. સૌથી વધુ હેટ ક્રાઇમ યહૂદી સમુદાય વિરુદ્ધ આચરાયા હતા. જોકે હોમ ઓફિસનો દાવો છે કે કુલ હેટ ક્રાઇમની સંખ્યામાં ઘટાડો થયો છે.
માર્ચ 2012થી હેટ ક્રાઇમનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારબાદ વાર્ષિક 10,484 કેસ અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. સ્ટેટિસ્ટિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ યહૂદી સમુદાયને લક્ષ્યાંક બનાવીને આચરાતા હેટ ક્રાઇમમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માર્ચ 2024 સુધીના છેલ્લા એક વર્ષમાં યહૂદી સમુદાય વિરુદ્ધ 3282 હેટ ક્રાઇમ આચરાયાં હતાં.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ વિરોધી હેટ ક્રાઇમમાં પણ 13 ટકાનો વધારો થયો છે. મુસ્લિમ વિરોધી હેટ ક્રાઇમના 3866 કેસ નોંધાયા હતા. ખ્રિસ્તીઓ વિરુદ્ધ 702, હિન્દુ વિરુદ્ધ 193 અને શીખ વિરુદ્ધ 216 હેટ ક્રાઇમ આચરાયા હતા.