લંડનઃ માણસ વધુમાં વધુ ૫ હજાર ચહેરાઓ યાદ સારી રીતે રાખી શકે છે એવું બ્રિટનની યોર્ક યુનિવર્સિટીના એક અધ્યયનમાં જણાવાયું છે. સંશોધકોએ એક પ્રયોગ દ્વારા વ્યક્તિ કેટલા ચહેરાઓ યાદ રાખી શકે છે એ જાણવા પ્રયત્ન કર્યો હતો. આ પ્રયોગના ભાગરૂપે ૧ કલાકના નક્કી સમયગાળામાં પોતાના જીવન સાથે જોડાયેલા ચહેરાઓના નામ લખવાનું કહેવામાં આવ્યું જેમાં સ્કૂલ કોલેજથી માંડીને સગા સંબંધીઓનો સમાવેશ થતો હતો.
ભાગ લેનારાઓનો પ્રયોગ દરમિયાન શરૂઆતમાં ખૂબ જ ચહેરા યાદ આવ્યા, પરંતુ ધીમે ધીમે તેની સંખ્યા ઘટતી ગઈ હતી. છેવટે ચહેરા યાદ કરવામાં મુશ્કેલી પડતી હતી તેના પરથી તારણ કાઢીને નક્કી થયું કે સરેરાશ માણસ ૧૦૦૦થી ૫૦૦૦ જેટલા ચહેરા યાદ રાખી શકે છે. આ એ ટેકનિક હતી જેનો ઉપયોગ એર પોર્ટ તથા પોલીસ તપાસમાં કરાય છે. સંશોધકોના જણાવ્યા મુજબ આ પ્રયોગનો હેતુ માણસ કેટલા ચહેરા યાદ રાખી શકે છે તેવો હતો. મગજની બુદ્ધિક્ષમતા માપવા માટેનો ન હતો. જેમાં ભાગ લેનારાએ વ્યક્તિગત જીવન ઉપરાંત કેટલાક મશહૂર ચહેરાઓને યાદ કર્યા હતા. પ્રોસીડિંગ્સી ઓફ રોયલ સોસાયટીની પત્રિકામાં પ્રકાશિત અહેવાલ મુજબ આ પ્રયોગમાં માનવ ચહેરાની તુલના ચહેરા ઓળખતા સોફ્ટવેર સાથે કરવામાં આવી હતી. દરેકની ચહેરા યાદ રાખવાની ક્ષમતા જુદી જુદી હોય છે.