લંડનઃ એન્ટાર્કટિકા ખંડ એટલે જીવતા માણસને થિજાવીને મમી બનાવી દે એવો કાતિલતમ ઠંડો પ્રદેશ. આ વિસ્તારને ખૂંદવાના અનેક પ્રયોગો થયા છે, જેમાં સેંકડો સાહસિકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. ૧૯૧૪-૧૭ દરમિયાન સર અર્નેસ્ટ શેકલ્ટન નામના સાહસિકે પણ એકલપંડે એન્ટાર્કટિકા ખંડને પાર કરવાનું બીડું ઉઠાવેલું, જે પ્રયોગ નિષ્ફળ ગયેલો. હવે ૪૬ વર્ષનો બ્રિટિશ સૈનિક કેપ્ટન લુઈ રુડ એકલપંડે એક્સ્પીડિશન પર જવા નીકળ્યો છે.
લુઈએ ૩૦ વર્ષ સુધી આર્મીમાં કામ કર્યું છે ને ગયા વર્ષા ટ્રાન્સ-એટલાન્ટિક એક્સપીડિશનની ટીમનું નેતૃત્વ પણ કરેલું. હવે લુઈ રુડે કોઈ પણ પ્રકારની સહાય વિના માત્ર પોતાના મસલ્સ પાવરની મદદથી એન્ટાર્કટિકાની ૧૫૦૦ કિલોમીટરની જર્ની પાર કરવાનું નક્કી કર્યું છે. આ અંતર કાપતાં તેને ૭૫ દિવસ લાગશે તેવો પ્રાથમિક અંદાજ છે.
માઇનસ ૫૦ ડિગ્રી, ૭૫ દિવસ
માઈનસ ૫૦ ડિગ્રી સેન્ટીગ્રેડની જીવલેણ ઠંડીમાં ૭૫ દિવસમાં સુધી જર્ની કરવા માટે તેણે લગભગ ૧૫૦ કિલોગ્રામ જેટલો સામાન જાતે કેરી કરવાનો છે. આટલા દિવસ ચાલે એટલુ ફૂડ, ઠંડીથી બચવાની ચીજો અને દિશા તથા હવામાનસૂચક યંત્રોની મદદથી તે એકલો જ આ સાહસ માટે નીકળી પડ્યો છે. જો બધું તેના પ્લાન મુજબ પાર ઊતરશે તો ૨૦૧૯ની ૨૧ જાન્યુઆરીએ તેનું સાહસ પૂરું થશે.