લંડનઃ સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)એ પ્લેક્સસ લીગલ અને ઈન્સેને પતનમાંથી બચાવા માટે જવાબદાર પેઢી એક્ઝિઓમ ઈન્સે (અગાઉની એક્ઝિઓમ DWFM)ના ત્રણ ડાયરેક્ટર પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ એક્ઝિઓમ ઈન્સેમાં ચાવીરૂપ વ્યક્તિ હતા અને નિયંત્રક હસ્તક્ષેપને પાત્ર હતા. આ સસ્પેન્શન તેમને તત્કાળ અસરથી પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ લાદે છે પરંતુ, ટ્રેડિંગ ચાલુ રાખવાની કંપનીની ક્ષમતાને અસરકર્તા નથી.
એક્ઝિઓમ DWFMના પૂર્વ મેનેજિંગ પાર્ટનર અને એક્ઝિઓમ સ્ટોન સોલિસીટર્સના સ્થાપક પ્રજ્ઞેશ મોઢવાડીઆ શંકાસ્પદ અપ્રામાણિકતા અને સોલિસીટર્સ એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ હસ્તક્ષેપનો સામનો કરી રહ્યા છે. પર્સનલ ઈન્જરી અને મેડિકલ બેદરકારી વિભાગના વડા શ્યામ મિસ્ત્રી અને કોમર્શિયલ, ઈન્વેસ્ટમેન્ટ અને રેસિડેન્સિયલ પ્રોપર્ટી વિભાગના વડા ઈદનાન લિઆકત સોલિસીટર્સ એક્ટના નિયમોના કથિત ઉલ્લંઘન સંદર્ભે તપાસ હેઠળ છે.
આ ત્રણે ડાયરેક્ટર પ્રી-પેક એડમિનિસ્ટ્રેશન મારફત એક્ઝિઓમ DWFM દ્વારા ઈન્સે ગ્રૂપના એક્વિઝિશનના પગલે રચાયેલી એક્ઝિઓમ ઈન્સે લિમિટેડના સક્રિય ડાયરેક્ટર્સ છે. એક્વિઝિશનની જાહેરાત વેળાએ અને તાજેતરમાં એક્ઝિઓમ ઈન્સે લિમિટેડ દ્વારા પ્લેક્સસ ગ્રૂપની ખરીદી બાબતે પણ પ્રજ્ઞેશ મોઢવાડીઆએ ટીપ્પણી કરી પડકારરૂપ નાણાકીય અને કાનૂની ફલક મધ્યે વૃદ્ધિ, જોબ સિક્યુરિટી અને ક્લાયન્ટ્સના હિતો સંદર્ભે તેમની નિષ્ઠા પર ભાર મૂક્યો હતો.
એક્ઝિઓમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘SRAએ પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કર્યા છે. આ માટે એકાઉન્ટ્સ રૂલ્સ અને સોલિસીટર્સ કોર્ડ ઓફ કન્ડક્ટના પાલનમાં નિષ્ફળતા અને પ્રજ્ઞેશ દ્વારા મોટી નાણાકીય ઉચાપતના કારણો અપાયા છે. SRAએ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ફર્મનું સંચાલન યથાવત રહેશે અને અમે યોગ્ય માર્ગે આગળ વધી રહ્યા છીએ ત્યારે ડાયરેક્ટર્સ અને પાર્ટનર્સ દ્વારા બિઝનેસ, અમારા ક્લાયન્ટ્સ અને અમારા કર્મચારીઓની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવાયા છે જેમનું કલ્યાણ અમારા માટે પ્રાધાન્ય ધરાવે છે.’