એક્ઝોમાર્સ મિશન સાથે સંકળાયેલા ડો. મનીષ પટેલ

Wednesday 16th March 2016 06:41 EDT
 
 

લંડનઃ રાતા મંગળ ગ્રહ પર પાણી અને જીવન છે કે નહિ તે વિજ્ઞાનવિશ્વમાં ચર્ચાનો વિષય રહેલો છે. સોમવાર, ૧૪ માર્ચે બ્રિટિશ પીઠબળ સાથેના એક્ઝોમાર્સ મિશને મંગળ પર જીવનની હયાતીની સાબિતીઓ શોધવા અવકાશમાં પ્રયાણ કર્યું હતું. આ મિશનમાં સજીવો દ્વારા છોડવામાં આવતાં મીથેન ગેસની હાજરીના પુરાવા પર વિશેષ ધ્યાન આપવામાં આવનાર છે. ભારત માટે નોંધ લેવા જેવી બાબત એ છે કે મૂળ ભારતીય અને ગુજરાતના આણંદ જીલ્લાના બાકરોલ ગામના વતની ડો. મનીષ પટેલ આ મિશન સાથે ગાઢપણે જોડાયા છે. રાતા મંગળ ગ્રહ સુધી જવા માટે વિશાળ પ્રોટોન રોકેટ પર સવાર થઈને સ્પેસક્રાફ્ટે અવકાશમાં છલાંગ લગાવી હતી.

અવકાશમાં સાત મહિનાની યાત્રા પછી એક્ઝોમાર્સ, ઓર્બિટર સાથે રહેલા પ્રોબને મંગળની સપાટી પર છોડશે અને અને જીવનની નિશાનીઓ શોધવા ઓર્બિટમાં ફરતું રહેશે.

બ્રિટને ૨૦૦૩માં કમનસીબ બીગલ-ટુ મિશનની નિષ્ફળતા પછી પહેલી વખત મંગળ તરફ નજર નાખવાનું સાહસ ખેડ્યું છે. પ્રોબ અને ઓર્બિટર જીવનની હાજરીની શક્યતાના સંકેતો આપી શકે તેવા અતિ મુશ્કેલ મિથેન એમિશન્સને શોધવા માટેના સંખ્યાબંધ બ્રિટિશ ઉપકરણોથી સજ્જ છે. આ મિશનના બે વર્ષ પછી રોવર મિશન આવશે, જેનું નિર્માણ હાલ હર્ટફોર્ડશાયરમાં એરબસ દ્વારા કરાઈ રહ્યું છે.

ઓપન યુનિવર્સિટીમાં પ્લેનેટરી સાયન્સીસમાં સીનિયર લેક્ચરર અને ઓક્સફર્ડશાયરમાં રધરફોર્ડ એપલટન લેબોરેટરીમાં કાર્યરત ડો. મનીષ પટેલ NOMAD ઈન્સ્ટ્રુમેન્ટ માટે કો-લીડર છે. તેમની ટીમે NOMAD ઉપકરણના ઓઝોન મેપિંગ પાર્ટની ડિઝાઈન કરવા સાથે તેનું નેતૃત્વ પણ કર્યું છે. હાલ તેઓ જર્મની ખાતે મિશન કન્ટ્રોલમાં હાજર છે, જ્યાંથી તેમણે કઝાખસ્તાનના બૈકનુરથી લોન્ચ કરાયેલા રોકેટને નિહાળ્યું હતું.

ઓપન યુનિવર્સિટીના ડો. મનીષ પટેલે ઓર્બિટરમાં ગોઠવાયેલા ઓઝોન-મેપિંગ અલ્ટ્રાવાયોલેટ (UV) સ્પેક્ટ્રોમીટર ઈન્સ્ટ્રુમેન્ટને વિકસાવવામાં અગ્ર ભૂમિકા ભજવી છે. બ્રિટિશ વૈજ્ઞાનિક મનીષ પટેલને ૨૦૦૩માં ભારે આઘાત સહન કરવો પડ્યો હતો. બીગલ-ટુ સાથે જોડાયેલું તેમનુ ભારે જહેમતથી વિકસાવેલું વેધર ઈન્સ્ટ્રુમેન્ટ અદૃશ્ય થઈ ગયું હતું.

ડો. મનીષે ‘ગુજરાત સમાચાર’ના ન્યુઝ એડિટર (કમલ રાવ)ને આ અંગે બેલ્જીયમથી ફોન પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘એક્ઝોમાર્સ પર ગોઠવાયેલું ઉપકરણ બીગલનુ બીટા વર્ઝન જ છે. મેં આની પાછળ જીંદગીના છેલ્લાં ૧૩ વર્ષ ગાળ્યા છે, આથી હું રોમાંચિત હોવાં સાથે નર્વસ પણ છું. આ ભયજનક છે, પણ તેથી તો હું આ વૈજ્ઞાનિક સંશોધનની કામગીરી સાથે સંકળાયેલો છું. હું એમ માનતો નથી કે ત્યાં જૈવિક સજીવો જોવાં મળશે, પરંતુ અબજો વર્ષો અગાઉના અસ્તિત્વ પછી લુપ્ત પામેલા જીવનને આપણે જોઈ શકીશું. મંગળ પર જીવન હતું કે નહિ તેની જાણકારી પાંચ-દસ વર્ષમાં મળશે તેમ મારું માનવું છે.’

મંગળ પર અગાઉ પાણી અને વાતાવરણ હોવાના કારણે પૃથ્વી કે સૌર ગ્રહમાળાની બહાર જીવનના પુરાવા શોધવાની સૌથી સારી તક મળે તેમ છે. નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં મિથેન ગેસના ‘ઓડકાર’ જેવા રહસ્યપૂર્ણ અવાજો રેકોર્ડ કરાયાં પછી જીવન શોધવાની આશા વધી છે. પૃથ્વી પર સજીવો દ્વારા ૯૦ ટકા મિથેન વાયુ પેદા કરાય છે. આથી જ, મંગળ ગ્રહ પર પણ કોઈક પ્રકારનું જીવન આ ગેસ છોડી રહ્યું હોવાની ધારણા બંધાઈ છે. સાઉથ આફ્રિકાના વિટવોટરસ્રાન્ડ બેઝિની સપાટીથી એક માઈલથી પણ વધુ નીચે અતિ સુક્ષ્મ (માઈક્રોબલ) જીવન હોવાનું જાણવા મળ્યું છે. આનાથી વિજ્ઞાનીઓને ખાતરી થઈ છે કે મંગળની ઠરી ગયેલી (પર્મફ્રૉસ્ટ) સપાટીની નીચે માઈક્રોબ્સ અસ્તિત્વ જાળવી શકે છે. રસપ્રદ બાબત તો એ છે કે કેટલીક સદીઓ પછી મંગળ પર મહત્ત્વનો મિથેન ગેસ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે રેકોર્ડ કરાયેલો મિથેન ગેસ નજીકના ભૂતકાળમાં પેદા થયો હોઈ શકે.

જો વિજ્ઞાનીઓ રાતા ગ્રહ પર જીવનના પુરાવા શોધી શકે- ભલે તે અબજો વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા આદિમ પ્રકારના જીવનને સંબંધિત હોય તો પણ અત્યાર સુધીની સૌથી મહાન શોધમાંની એક હશે. માનવજાતે બ્રહ્માંડમાં પોતાના સ્થાનનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે, જે અગાઉ પૃથ્વી અને સાથી ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા હોવાનું કોપરનિક્સે પ્રતિપાદિત કર્યું ત્યારે થયું હતું.

યુકે સ્પેસ એજન્સી દ્વારા ભંડોળ મેળવતા બરબેક, યુનિવર્સિટી ઓફ લંડનના પ્લેનેટરી સાયન્ટિસ્ટ ડો. પીટર ગ્રિન્ડ્રોડે જણાવ્યું હતું કે,‘આ અતિ રોમાંચપૂર્ણ છે. સોલાર સિસ્ટમમાં અન્યત્ર જીવન ધબકે છે તે શોધાય તો મહાન શોધ બની રહેશે, આથી પુરાવાઓ પણ મજબૂત હોવાં જોઈએ. અસામાન્ય દાવાઓ માટે અસામાન્ય પુરાવા જોઈએ.’

એક્ઝોમાર્સ મિશનો, યુરોપિયન સ્પેસ એજન્સી (Esa) અને રશિયન ફેડરલ સ્પેસ એજન્સી, રોસ્કોસ્મોસ દ્વારા સંયુક્તપણે હાથ ધરાય છે. ઓર્બિટર ઓક્ટોબર મહિનામાં મંગળ પર પહોંચશે અને ડિસેમ્બર ૨૦૧૭માં પંચવર્ષીય વૈજ્ઞાનિક મિશનનો આરંભ થાય તે અગાઉ તેણે શ્રેણીબદ્ધ કવાયતો કરવી પડશે. મે ૨૦૧૮માં હાઈટેક રોવર નિશન લોન્ચ કરાશે, જે જાન્યુઆરી ૨૦૧૯માં મંગળની સપાટી પર ઉતરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. મનીષના પિતા શ્રી રાજ પટેલ પોતે ફાર્મસીસ્ટ છે અને પત્ની રમીલાબેન સાથે લંડનમાં રહે છે. ડો. મનીષની આ સિદ્ધિઓની જાણ થતાં જ ચોમેરથી ડો. મનીષ અને તેમના માતાપિતા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter