લંડનઃ ભારતમાં નિવૃત્ત થઇ રહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે એનઆરઆઇને તેઓના વસવાટના સ્થળેથી જ મતદાનનો અધિકાર આપવા જોરદાર તરફેણ કરી છે. નિવૃત્તિ પહેલા વિદાય સમારોહમાં લાખો માઇગ્રન્ટ એનઆરઆઇ મતદાન કરી શકે તે માટે તેમણે રિમોટ વોટિંગ મિકેનિઝમ પર સહમતિ સાધવાની પણ ભલામણ કરી હતી.
આ ઉપરાંત તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મહત્વના બદલાવની પણ ભલામણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર મતદારોની ઓળખ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અમલી બનાવવું જોઇએ. અમે રાજકીય પાર્ટીઓ દ્વારા થતા ચૂંટણી ખર્ચને ઓનલાઇન પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું છે અને હવે તેને નાણાકીય પારદર્શકતા માટે ફરજિયાત કરી દેવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીમાં અપાતા વચનો અને રેવડીઓ માટે તેમના દ્વારા કરાનારી આર્થિક વ્યવસ્થાના પુરાવા ફરજિયાત કરવા જોઇ અને મફતની રેવડીઓ પર અદાલતોએ ઝડપથી ચુકાદો આપવો જોઇએ.
તેમણે ચૂંટણીઓને પ્રભાવિત કરતા અનિયંત્રિત સોશિયલ મીડિયાને ગંભીર જોખમ ગણાવતા તેના પર નિયંત્રણો લાદવાની પણ ભલામણ કરી હતી.