લંડનઃ વિદેશથી આવેલી એનએચએસની નર્સોને નિયમોના કારણે તેમના આગમનના પાંચ વર્ષ સુધી વેલ્ફેર બેનિફિટ્સ અપાતા નથી તેથી તેઓ ગરીબીમાં ધકેલાઇ રહી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના રિપોર્ટ પ્રમાણે આર્થિક તંગીના કારણે તેમને દેવા કરવા પડે છે અને ભૂખમરાનો પણ સામનો કરવો પડે છે.
વિદેશથી આવતી નર્સો હંગામી વિઝા પર હોય છે તેના કારણે તેમને ચાઇલ્ડ બેનિફિટ, હાઉસિંગ બેનિફિટ અને યુનિવર્સલ ક્રેડિટ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી મળતાં નથી. રોયલ કોલેજ ઓફ નર્સિંગે સરકારને આ નિયમો રદ કરવાની અપીલ કરી છે. કારણ કે વિદેશી તાલીમબદ્ધ નર્સો ઇન્કમટેક્સ અને નેશનલ ઇન્શ્યુરન્સ ચૂકવતી હોવા છતાં આ લાભો મેળવી શક્તી નથી.
આ રિપોર્ટ 3000 કરતાં વધુ વિદેશી નર્સોના સરવેના આધારે તૈયાર કરાયો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ નીતિ યુકેમાં કામ કરવા આવતા વિદેશીઓ માટે સજા સમાન છે. તેના કારણે ઇન્ટરનેશનલ નર્સિંગ સ્ટાફ સામુહિક પલાયન કરે તેવું જોખમ પણ સર્જાયું છે. એનએચએસમાં નર્સોની અછત છે અને હાલ 40,000 જગ્યા ખાલી પડી છે.
આરસીએનના ઇંગ્લેન્ડ માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પેટ્રિસિયા માર્કિસે જણાવ્યું હતું કે, બ્રિટિશ કર્મચારીઓ કરે છે તેટલું જ કામ કરવા, એટલો જ ટેક્સ ચૂકવવા છતાં વિદેશી નર્સોને મહત્વના બેનિફિટ્સથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. તેના કારણે તેઓ ગરીબીમાં ધકેલાઇ જાય છે.