લંડનઃ એનએચએસની હોસ્પિટલો પણ હવે દર્દીઓ પાસેથી સારવાર માટે વધુ રકમની વસૂલાત કરવા લાગી છે. છેલ્લા એક વર્ષમાં એનએચએસની આવકમાં 25 ટકા સુધીનો વધારો થઇ ગયો છે. લેબર સરકારના પ્રાઇવેટ સેક્ટર સામેના રાહતભર્યા વલણને કારણે એનએચએસના ટ્રસ્ટો લાભ લઇ રહ્યાં છે તેથી તેમની આવકમાં હજુ વધારો થવાની સંભાવના છે.
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર એનએચએસની હોસ્પિટલોને આ વર્ષે 2 બિલિયન પાઉન્ડ કરતાં વધુની ખોટ જવાની સંભાવના છે ત્યારે લાંબા વેઇટિંગ લિસ્ટનો લાભ ઉઠાવતાં તેઓ તેમની આવક મહત્તમ વધારવા માગે છે. ઘણી એનએચએસ હોસ્પિટલો દર્દીઓને પ્રાઇવેટ રૂમ અને હોટેલ જેવી વ્યવસ્થાઓની ઓફર આપી રહી છે.
લંડન એનએચએસ ટ્રસ્ટની ટોપ 10માંથી પાંચ હોસ્પિટલોની આવક 197 મિલિયન પાઉન્ડ અંદાજવામાં આવી છે. 75 ટકા ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા હિસાબ અનુસાર સમગ્ર દેશમાં એનએચએસ હોસ્પિટલોની આવકમાં સરેરાશ 23 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં એનએચએસની હોસ્પિટલો દ્વારા પ્રાઇવેટ પેશન્ટ્સ પાસેથી 770 મિલિયન પાઉન્ડની કમાણી કરી લેવામાં આવી છે. 2025-26માં આ આવક 1 બિલિયન પાઉન્ડ પર પહોંચવાની સંભાવના છે.