લંડનઃ આગામી બજેટમાં એનએચએસ માટે કેવા પ્રકારની જોગવાઇ કરાશે તે અંગે સરકારે જાહેરાત કરી છે. જેમાં નવા સર્જિકલ હબ, સ્કેનરર અને રેડિયોથેરાપી મશીન માટે 1.57 બિલિયન પાઉન્ડની જોગવાઇનો સમાવેશ થાય છે. સરકાર એનએચએસમાં એપોઇન્ટમેન્ટ અને પ્રોસિજરમાં પ્રતિ સપ્તાહ 40,000 સુધીનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે.
એપોઇન્ટમેન્ટ ચૂકી જનાર દર્દીને દંડ કરવા સરકારની વિચારણા
ભવિષ્યમાં એનએચએસની એપોઇન્ટમેન્ટ ચૂકી જનાર દર્દીને દંડ કરાશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ અગાઉ એપોઇન્ટમેન્ટ ચૂકી જનાર દર્દીને દંડ કરવાના પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કરાતો હતો પરંતુ હવે તેઓ પણ તેના માટે સહમત થઇ રહ્યાં છે. દર વર્ષે એનએચએસમાં દર્દીઓ 8 મિલિયન એપોઇન્ટમેન્ટમાં હાજર રહેતાં નથી તેના કારણે કરદાતાઓના 1 બિલિયન પાઉન્ડ વેડફાઇ જાય છે.
એનએચએસના દર્દીઓ માટે સ્માર્ટ વોચ અને સ્માર્ટ ફોન એપ
સરકાર એનએચએસને બચાવવા કરોડો લોકોને સ્માર્ટ વોચ આપશે જેથી તેમના બ્લડ પ્રેશર, લોહીમાં શર્કરાનું પ્રમાણ જાણી શકાય અને કેન્સરના દર્દીઓને સારવારની કેવી અસર થઇ રહી છે તે પણ જાણી શકાશે. સ્માર્ટ વોચના કારણે દર્દી તેના આરોગ્યનું નિયંત્રણ કરી શકશે અને તેને જીપી પર આધારિત રહેવું પડશે નહીં. તે ઉપરાંત સરકાર દ્વારા નવી એનએચએસ એપ શરૂ કરવામાં આવી રહી છે જેના દ્વારા દર્દી તેમના તમામ મેડિકલ રેકોર્ડ પ્રાપ્ત કરી શકશે.