લંડનઃ ઇંગ્લેન્ડમાં એનએચએસની હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ એપ્રિલ 2024ના અંતે 7.57 મિલિયનને પાર કરી ગયું છે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ આગામી 4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીનો મહત્વનો મુદ્દો બની રહ્યું છે. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન બન્યા ત્યારે સુનાકે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવાને પોતાની ટોચની પાંચ પ્રાથમિકતામાંની એક ગણાવી હતી. જોકે તેમને તેમાં ઝાઝી સફળતા હાંસલ થઇ નથી.
પ્રાપ્ત થતા આંકડા અનુસાર 3,00,000થી વધુ દર્દી એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. એએન્ડઇ અને એમ્બ્યુલન્સ રિસ્પોન્સના લક્ષ્યાંકો પણ હાંસલ કરી શકાયા નથી.
કિંગ્સ ફંડના સિવા એનનડેકિવા કહે છે કે વેઇટિંગ લિસ્ટના આંકડા બતાવે છે કે એનએચએસ પ્રચંડ દબાણ હેઠળ છે. સામાન્ય રીતે વસંત અને ઉનાળાના પ્રારંભે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે તેમ છતાં એનએચએસ સામેના પડકારોનો અંત આવી રહ્યો નથી.
એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સર સ્ટીફન પોવિસ કે છે કે એનએચએસની તમામ હોસ્પિટલોમાં સારવાર માટેની માગ ઘણી ઊંચી છે. જૂનના અંતમાં જુનિયર ડોક્ટરો પાંચ દિવસની હડતાળ પર જવાના છે તેથી સ્થિતિ વધુ બદતર બની શકે છે.
રોયલ કોલેજ ઓફ રેડિયોલોજિસ્ટના રિપોર્ટ અનુસાર દેશમાં કેન્સરની સારવારમાં વિલંબ હવે સામાન્ય બાબત બની ગઇ છે. 50 ટકા કરતાં વધુ સ્પેશિયાલિસ્ટ કેન્સર સેન્ટરોમાં સારવાર માટે સપ્તાહો સુધી રાહ જોવી પડે છે.