લંડનઃ બાંગ્લાદેશની સત્તા બરખાસ્ત અવામી લીગના સહયોગીઓ દ્વારા લંડનમાં તુલિપ સિદ્દિક અને તેમના પરિવારને કથિત રીતે ભેટમાં અપાયેલી સંપત્તિઓના ઉપયોગને બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મુહમ્મદ યુનુસે વખોડી કાઢ્યા બાદ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પર એન્ટી કરપ્શન મિનિસ્ટર સિદ્દિકને બરખાસ્ત કરવાનું દબાણ વધી ગયું હતું. આખરે તુલિપ સિદ્દિકને સ્ટાર્મર કેબિનેટમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને લખેલા પત્રમાં સિદ્દિકે જણાવ્યું હતું કે જો હું મિનિસ્ટર તરીકેની કામગીરી ચાલુ રાખીશ તો તે સરકારના કાર્યમાં અવરોધરૂપ બની શકે છે. વડાપ્રધાને તેમનું રાજીનામુ સ્વીકારતાં જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે હું તુલિપ સિદ્દિકનું ઇકોનોમિક સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી પદેથી રાજીનામું સ્વીકારી રહ્યો છું.
બીજીતકરફ વડાપ્રધાન સ્ટાર્મરે તુલિપના સ્થાને એમ્મા રેનોલ્ડ્સની ઇકોનોમિક સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી તરીકે નિયુક્તિ કરી હતી. કિંગ ચાર્લ્સ તૃતીયે પણ આ નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી.
મુહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટીઓની તપાસ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કરાય તેવી મારી ઇચ્છા છે. શેખ હસીનાની અવામી લીગના સહયોગીઓ દ્વારા ખરીદાયેલી સંપત્તિ બાંગ્લાદેશને પરત કરી દેવી જોઇએ. આ સંપત્તિઓ પાછળ ખર્ચાયેલા નાણા કેવી રીતે બાંગ્લાદેશ પરત લાવવા એજ મારી વચગાળાની સરકારનો ઇરાદો છે.
બાંગ્લાદેશે તુલિપ સિદ્દિકના બેન્ક ખાતાની વિગતો માગી
યુકેના સિટી મિનિસ્ટર પરના કથિત કટકીના આરોપની તપાસ કરી રહેલા બાંગ્લાદેશી સત્તાવાળાઓએ બેન્કો પાસે તુલિપ સિદ્દિકના બેન્ક ખાતાની વિગતો માગી છે. બાંગ્લાદેશ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના પરિવાર સાથે સંકળાયેલા તમામ બેન્ક ખાતાની વિગતોની માહિતી આપવા આદેશ આપ્યો હતો. યુનિટે શેખ હસીના અને તુલિપ સિદ્દિક ઉપરાંત સિદ્દિકની માતા શેખ રિહાના અને શેખ હસીનાના યુએસ સ્થિત પુત્ર સાજીબ વાઝેડના બેન્ક ખાતાની વિગતો આપવાનો પણ આદેશ આપ્યો છે. તુલિપ સિદ્દિકના એક સાથીએ જણાવ્યું હતું કે, તેઓ ફક્ત યુકેમાં જ બેન્ક ખાતુ ધરાવે છે અને વિદેશમાં તેમના કોઇ બેન્ક ખાતા નથી.
બાંગ્લાદેશના પદભ્રષ્ટ નેતા શેખ હસીના સાથેના સંબંધો માટે સ્ટાર્મર પણ સવાલના ઘેરામાં
કથિત કટકી કાંડમાં એન્ટી કરપ્શન મિનિસ્ટર તુલિપ સિદ્દિક પર મૂકાયેલા આરોપ મધ્યે હવે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરના બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના સાથેના સંબંધો પણ વિવાદનું કેન્દ્ર બની રહ્યાં છે. શેખ હસીનાની અવામી લીગના લેબર પાર્ટી સાથેના સંબંધો પણ ચર્ચાસ્પદ બન્યાં છે. યુકેમાં અવામી લીગના સમર્થકોએ જુલાઇ 2024ની સંસદની ચૂંટણીમાં સ્ટાર્મરના સમર્થનમાં અભિયાન ચલાવ્યું હોવાનો દાવો કરાયો છે. બાંગ્લાદેશમાં અબજો ડોલરના ભ્રષ્ટાચાર અને એક્સ્ટ્રાજ્યુડિશિયલ હત્યાઓ અંગે માનવ અધિકાર સંગઠનો દ્વારા ચેતવણીઓની અવગણના કરીને સ્ટાર્મરે શેખ હસીના સાથેના ગાઢ સંબંધ જારી રાખ્યાં હતાં. યુકેમાં અવામી લીગના જનરલ સેક્રેટરી અનવરૂઝમાન ચૌધુરી સાથે ગયા મહિને સ્ટાર્મરની મુલાકાત પણ યોજાઇ હતી.