લંડનઃ એપ્રિલના આગમન સાથે વોટર બિલ, એનર્જી બિલ, કાઉન્સિલ ટેક્સ, કાર ટેક્સ, બ્રોડબેન્ડ – ફોન – ટીવી લાયસન્સ, સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જિસમાં વધારો થવા જઇ રહ્યો છે. બિલ અને ટેક્સ પેટે તમારે કેટલા નાણા ઢીલા કરવા પડશે તેનો આધાર તમારા અંગત સંજોગો અને તમે કયા વિસ્તારમાં રહો છો તેના પર આધાર રાખશે. જોકે એપ્રિલથી લઘુત્તમ વેતનમાં પણ વધારો થવા જઇ રહ્યો છે તેમ છતાં બિલ ચાર્જિસમાં વધારો જનતા પર વધારાનો બોજો નાખશે.
વોટર બિલ –
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલથી વોટર બિલમાં પ્રતિ માસ સરેરાશ 10 પાઉન્ડ સુધીનો વધારો થશે. સધર્ન વોટરનું બિલ 47 ટકા વધીને 703 પાઉન્ડ અને એન્ગિલયન વોટરનું બિલ 19 ટકા વધીને 626 પાઉન્ડ થશે. સ્કોટલેન્ડમાં વોટર બિલમાં સરેરાશ 10 ટકાનો વધારો થશે.
એનર્જી બિલ
એપ્રિલથી એનર્જી બિલ વાર્ષિક ધોરણે 111 પાઉન્ડ વધીને 1849 પાઉન્ડ પર પહોંચશે. ઓફજેમ દ્વારા એપ્રિલથી એનર્જી પ્રાઇસ કેપમાં વધારો કરાયો છે જેની ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 22 મિલિયન પરિવારોને અસર થશે.
કાઉન્સિલ ટેક્સ
એપ્રિલથી ઇંગ્લેન્ડ અને વેલ્સની કાઉન્સિલો દ્વારા 4.99 ટકાનો કરવધારો કરાશે. સોશિયલ કેર સેવાઓ નહીં આપતી કાઉન્સિલોના ટેક્સમાં પણ 2.99 ટકા સુધીનો વધારો થઇ શકે છે. બ્રેડફોર્ડ, ન્યૂહામ, બર્મિંગહામ, સમરસેટ અને વિન્ડસરમાં કાઉન્સિલ ટેક્સ 4.99 ટકા કરતાં વધુ વધી શકે છે. સ્કોટલેન્ડમાં કેટલીક કાઉન્સિલમાં ટેક્સ 10 ટકા સુધી વધી શકે છે. વેલ્સમાં કેટલીક કાઉન્સિલમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.
કાર ટેક્સ
એપ્રિલથી એપ્રિલ 2017 પછી રજિસ્ટર થયેલી કાર માટેના ટેક્સના સ્ટાન્ડર્ડ રેટમાં 5 પાઉન્ડનો વધારો થશે. કારની નોંધણી કયા વર્ષમાં થઇ છે તેના આધારે રોડ ટેક્સ ચૂકવવાનો રહેશે. એપ્રિલ 2025 પછી નોંધાયેલી ઇવીને પહેલા વર્ષે 10 પાઉન્ડ ટેક્સ ચૂકવવો પડશે. એપ્રિલ 2017 પછી નોંધાયેલી ઇવીને સ્ટાન્ડર્ડ રેટ પણ લાગુ પડશે.
બ્રોડબેન્ડ – ફોન અને ટીવી લાયસન્સ
આ વર્ષથી મોબાઇલ અને બ્રોડબેન્ડ પ્રોવાઇડર્સ તેમના ગ્રાહકો પાસેથી ભાવવધારો માગી શકે છે. નવા નિયમો નવા ગ્રાહકો માટે જ રહેશે તેથી તમે ક્યારે કોન્ટ્રાક્ટ કરો છો તેના પર આધાર રહેશે. ઇઇ સાથેના મોબાઇલ ફોન માટે 18 પાઉન્ડ પ્રતિ વર્ષ ચૂકવવા પડશે. ટીવી લાયસન્સની ફી 5 પાઉન્ડના વધારા સાથે 174.50 પાઉન્ડ રહેશે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી માટેની ફી 58.50 પાઉન્ડ ચૂકવવા પડશે.
સ્ટેમ્પ ડ્યુટી
ઇંગ્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં મકાન ખરીદનારાઓએ એપ્રિલથી હવે 2,50,000 પાઉન્ડને સ્થાને 1,25,000 પાઉન્ડ કરતાં વધુની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. પહેલીવાર મકાન ખરીદનારે 3,00,000 પાઉન્ડ કરતા વધુની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે.
નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના લોકો લંડન કરતાં વધુ કાઉન્સિલ ટેક્સ ચૂકવશે
નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના પરિવારોએ કાઉન્સિલ ટેક્સ પેટે લંડન કરતાં પણ 444 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. કાઉન્સિલ ટેક્સનો તફાવત આમ તો વર્ષોની સાથે વધતો રહ્યો છે પરંતુ આગામી મહિને કાઉન્સિલ ટેક્સમાં વધારા બાદ તે ચરમ પર પહોંચવાનો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કાઉન્સિલ ટેક્સમાં સરેરાશ 5.1 ટકાનો વધારો થઇ શકે છે.