લંડનઃ દર વર્ષે એપ્રિલમાં નવા નાણાકીય વર્ષમાં પ્રવેશ સાથે યુકેના પરિવારો માટે મહત્વના બદલાવ અમલમાં આવે છે. ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટમાં કેટલાક બદલાવ કર્યા હોવાથી એપ્રિલ 2024થી આ પગલાં અમલમાં આવી જશે. એપ્રિલથી પરિવારોની આવકમાં વિવિધ સ્ત્રોતો દ્વારા વધારો થવાનો છે. સ્પ્રિંગ બજેટમાં ચાન્સેલર જેરેમી હન્ટે નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી જે 6 એપ્રિલથી અમલી બનશે. દર વર્ષે ફુગાવાના દરની સરખામણીમાં બેનિફિટ્સમાં પણ વધારો થતો રહે છે. આ વખતે એપ્રિલથી બેનિફિટ્સમાં 6.7 ટકાનો વધારો અમલી બની રહ્યો છે. એપ્રિલ 2024થી બેઝિક અને નવા સ્ટેટ પેન્શનમાં 8.5 ટકા સુધીનો વધારો થઇ રહ્યો છે. મિનિમમ વેજ પણ એપ્રિલ 2024થી 9.8 ટકા સુધી વધશે. 21 અને તેથી વધુ વયના નોકરીયાતો માટે લઘુત્તમ વેતન 11.44 પાઉન્ડ પ્રતિ કલાક કરાયું છે. જે મિનિમમ વેજમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. એનર્જી અને પાણીના બિલોમાં એપ્રિલથી મિશ્ર ચિત્ર જોવા મળશે
નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાનો ઘટાડો 6 એપ્રિલથી અમલમાં
જાન્યુઆરીમાં નેશનલ ઇન્શ્યુરન્સ 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો હતો જે 6 એપ્રિલથી બે ટકા ઘટીને 8 ટકા પર આવી જશે. તેનો અર્થ એ થયો કે સપ્તાહના 242 પાઉન્ડ કરતાં વધુની આવક ધરાવતા પગારદારોને નેશનલ ઇન્શ્યુરન્સ પેટે 4 ટકા ઓછા ચૂકવવાના રહેશે.
બેનિફિટ્સ, પેન્શન અને મિનિમમ વેજમાં વધારો
સ્ટાન્ડર્ડ યુનિવર્સલ ક્રેડિટ એલાવન્સમાં વધારો
જે અંતર્ગત સ્ટાન્ડર્ડ યુનિવર્સલ ક્રેડિટ એલાવન્સમાં 25થી ઓછી આયુના વ્યક્તિને 311.68 પાઉન્ડ, 25 કે તેથી વધુ વયના સિંગલ વ્યક્તિને 393.45 પાઉન્ડ, 25થી ઓછી વયના બે સંયુક્ત દાવેદારને 489.23 પાઉન્ડ અને 25થી વધુ વયના બે સંયુક્ત દાવેદારને 617.60 પાઉન્ડ પ્રતિ માસ ચૂકવાશે.
2024-25 માટે નવા સ્ટેટ પેન્શનના દર
નવું સ્ટેટ પેન્શન પ્રતિ સપ્તાહ – 221.20 પાઉન્ડ
બેઝિક સ્ટેટ પેન્શન પ્રતિ સપ્તાહ – 169.50 પાઉન્ડ
2024-25 માટે મિનિમમ વેજ દર
16થી 17 વર્ષના માટે – 6.40 પાઉન્ડ પ્રતિ કલાક
18થી 20 વર્ષના માટે – 8.60 પાઉન્ડ પ્રતિ કલાક
એપ્રેન્ટિસ માટે – 6.40 પાઉન્ડ પ્રતિ કલાક
21કે તેથી વધુ વર્ષ માટે- 11.44 પાઉન્ડ પ્રતિ કલાક
એનર્જી બિલમાં ઘટાડો
ઓફજેમ દ્વારા અપ્રિલથી જૂન સુધીની એનર્જી પ્રાઇસ કેપ 238 પાઉન્ડ ઘટાડીને 1690 પાઉન્ડ કરાઇ છે જે છેલ્લા બે વર્ષની સૌથી નીચી સપાટી પર છે. જુલાઇમાં એનર્જી પ્રાઇસ કેપ વધુ 228 પાઉન્ડ ઘટીને 1462 પાઉન્ડ થવાની સંભાવના છે.
બ્રોડબેન્ડ, મોબાઇલ ફોન અને ટીવી બિલમાં વધારો
એપ્રિલથી પે ટીવી, બ્રોડબેન્ડ અને મોબાઇલ ફોનના ચાર્જમાં 8.8 ટકા સુધીનો વધારો થશે. મોટાભાગની કંપનીઓ 1 એપ્રિલથી આ ચાર્જ અમલી બનાવી રહી છે. 1 એપ્રિલથી ટીવી લાયસન્સની ફી 159 પાઉન્ડથી વધીને 169.50 પાઉન્ડ થવા જઇ રહી છે.