લંડનઃ ધ એપ્રેન્ટિસની વિજેતા હરપ્રીત કૌર તેના સાથી કન્ટેસ્ટન્ટ અક્ષય ઠકરાર સાથે લગ્નની તૈયારી કરી રહી છે. જૂન મહિનામાં વિવાહના બંધનમાં બંધાનારું આ યુગલ પ્રથમ એપ્રેન્ટિસ કપલ હશ. 32 વર્ષીય હરપ્રીત 2022માં એપ્રેન્ટિસમાં વિજેતા નીવડી હતી પરંતુ શો પૂરો થાય ત્યાં સુધીમાં તો તેમનો રોમાન્સ પૂરબહારમાં ખીલી ઉઠ્યો હતો. હરપ્રીત કહે છે કે મારા પ્રશંસકો ઘણા રોમાંચિત છે અને તેમણે મારી પાસે આમંત્રણની માગ પણ કરી છે.
હરપ્રીત ડેઝર્ટ પાર્લર ઓહ યો યમની માલિક અને સ્થાપક છે. આ પાર્લરની હડર્સફિલ્ડ, લીડ્સ અને બ્રેડફોર્ડમાં શાખાઓ આવેલી છે. હરપ્રીતને શોની વિજેતા જાહેર કરાઇ ત્યારે લોર્ડ સુગરે તેના સાહસમાં 2,50,000 પાઉન્ડનું રોકાણ કર્યું હતું પરંતુ હરપ્રીતે તેમની પાસેથી હિસ્સો ખરીદી લીધો હતો જેથી તે તેના બિઝનેસમાં રચનાત્મક કાર્યો કરી શકે.
અક્ષય ઠકરાર પણ શોનો હિસ્સો હતા. બે વર્ષ કરતાં ઓછા સમયમાં અક્ષય અને હરપ્રીતે બ્રેડફોર્ડમાં પોતાના સ્વપ્નનું ઘર ખરીદી લીધું છે. બંને એકબીજાના પરિવારને મળી ચૂક્યાં છે અને હવે લગ્ન કરવાના છે.